હનીટ્રેપ ગુનાના મુખ્ય સૂત્રધારે ગેરકાયદે આવકથી ખરીદેલું મકાન સીઝ કરવા કોર્ટનો હુકમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શિનોરના ૬૬ વર્ષના વૃધ્ધને નગ્ન ફોટા બતાવી ,બળાત્કાર અને પ્રેગ્નન્ટની ધમકી આપી બ્લેકમેલ કરીને રૃા.૭૫.૭૫ લાખ પડાવી લેવાના કેસમાં સામેલ મુખ્ય સૂત્રધારે પત્નીના નામે વસાવેલું મકાન સીઝ કરવા માટે પોલીસે કોર્ટમાં કરેલી અરજી મંજૂર થઇ છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આ પ્રકારની સૌપ્રથમ કાર્યવાહી થઇ છે.
શિનોરમાં રહેતા વૃધ્ધે મનિષા ઉર્ફે શાંતા ભૂરા વસાવા (રહે.રાજપારડી), આશિક સિકંદર પઠાણ, અનવર નુરમહંમદ મનસુરી, સલીમ ઉર્ફે બતક શરીફ પઠાણ (રહે.શિનોર), મનિષાનો કહેવાતો પતિ, મનિષાનો કહેવાતો બનેવી, મનિષાની કહેવાતી માતા, મનિષાની સહેલી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ શિનોર પોલીસ સ્ટેશનમાં તા.૧ મે ૨૦૨૫ થી તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ઠગાઈ, બળાત્કારની ધમકી અને કાવતરુ કરી માર મારીને રૃા.૭૫.૭૫ લાખ પડાવવા બાબતની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પકડાયેલા આરોપી આશિકહુસેન ઉર્ફે તલાટી સિકંદરખાન પઠાણ (રહે.મૂળ શિનોર, ટીમ્બા ફળિયું, હાલરહે. પાલેજ, ભરૃચ)ના ભાગે ૨૫ લાખ રૃપિયા આવ્યા હતા. જે પૈકી ૬.૯૦ લાખ તેણે પુત્ર અસ્ફાકહુસેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રૃપિયાથી આરોપીએ પરિવારના સભ્યોના નામે વસાવેલી સ્થાવર અને મિલકતો અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.આરોપીએ પાલેજની સાલે - ૨ સોસાયટીમાં આવેલું મકાન ગેરકાયદે આવકના સ્ત્રોતથી વસાવ્યું હોવાનું પોલીસને તપાસ દરમિયાન જણાઇ આવ્યું હતું. પી.આઇ. આર.આર. વસાવાએ જણાવ્યું છે કે, આ મિલકત સીઝ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી કોર્ટમાં મોકલી આપી હતી. અદાલતે આ મકાન સીઝ કરવા હુકમ કર્યો છે.આરોપી વિરૃદ્ધ અગાઉ જુગારધારાના બે ગુના પણ નોંધાયા છે.




