યુનિ.હોસ્ટેલમાં રેગિંગ ના થાય તે માટે સિનિયર વિદ્યાર્થીઓનું પણ કાઉન્સિલિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે એક રેસિડેન્ટ ડોકટરે આત્મહત્યા કરી લેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે.
તાજેતરમાં જ નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું છે અને તેમાં આ ઘટના બન્યા બાદ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો પણ સતર્ક થઈ ગયા છે.સત્તાધીશોએ તમામ ફેકલ્ટી ડીનોને રેગિંગ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને કોઈ નવા વિદ્યાર્થીની હેરાનગતિ ના થાય તે માટે સતર્ક રહેવાની સૂચના આપી છે.
બીજી તરફ યુનિવર્સિટી હોસ્ટેલમાં તો સત્તાધીશો સિનિયર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ શરુ કર્યું છે.હોસ્ટેલના ચીફ વોર્ડન ડો.વિજય પરમારે કહ્યું હતું કે, દરેક હોલના વોર્ડનને સિનિયર વિદ્યાર્થીઓને બોલાવીને કાઉન્સિલિંગની સૂચના અપાઈ છે.જેમાં સિનિયર વિદ્યાર્થીઓને નવા વિદ્યાર્થીઓને પોતાના ભાઈ તરીકે ગણવાની અને તેમની સાથે સૌજન્યતાપૂર્ણ વ્યવહાર કરવાની સમજ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં અત્યાર સુધીમાં એફવાયના વિદ્યાર્થીઓના ચાર કાઉન્સિલિંગ સેશન યોજવામાં આવ્યા છે.જેમાં વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાની સાથે સાથે સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કરે તો તરત જ વોર્ડનને જાણ કરવા માટે પણ માહિતગાર કરાયા છે.આ પ્રકારના કાઉન્સિલિંગ સેશન દર વર્ષે યોજવામાં આવે છે.




