Baroda

વડોદરામાં આંબેડકર સ્મારક અને ભવનના ઉદ્ઘાટનને લઈને ભાજપના મહિલા મોરચે વિવાદ : નિમંત્રણ પત્રિકામાં મેયર-જિલ્લા પંચાયત પ્રમુખની બાદબાકી

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 20 સપ્ટેમ્બરે યોજાનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક અને મ્યુઝિયમના ઉદ્ઘાટન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકાને લઈ વિવાદ સર્જાયો છે. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી પત્રિકામાં મેયર ગીતાબેન મકવાણા અને જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારીના નામનો સમાવેશ ન થતા ભાજપના મહિલા કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે. આ મુદ્દો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આંબેડકર સ્મારક અને ભવનના ઉદ્ઘાટનને લઈને ભાજપના મહિલા મોરચે વિવાદ : નિમંત્રણ પત્રિકામાં મેયર-જિલ્લા પંચાયત પ્રમુખની બાદબાકી

Vadodara BJP Controvery : વડોદરાના સયાજીબાગ ખાતે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક તથા કલ્યાણનગર ખાતેના ડૉ.બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે.
આગામી 20 સપ્ટેમ્બરના રોજ યોજાનારા કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા અને જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારીના નામનો સમાવેશ ન કરાતા ભાજપના મહિલા કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

1.jpg


આ બંને હોદ્દેદારો મહિલાઓ છે અને શહેર તથા જિલ્લાના સ્થાનિક સ્વરાજના મહત્વના પદ પર છે. સંકલ્પભૂમિ સ્મારક અને આંબેડકર મ્યુઝિયમ બંને વડોદરા શહેરની હદમાં આવેલા હોવા છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયરનું નામ નિમંત્રણ પત્રિકામાં નહીં હોવાની બાબતને લઈને કાર્યકરોમાં સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખનું નામ પણ પત્રિકામાં નહીં હોવાને કારણે આ મુદ્દાએ રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તરફથી જાહેર થયેલી નિમંત્રણ પત્રિકાઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને શહેર અને જિલ્લાના બંને મહિલા હોદ્દેદારોની બાદબાકી અંગે મહિલા કાર્યકરોમાં આંતરિક ચર્ચા જોવા મળી રહી છે.
આ કાર્યક્રમ વડોદરા નજીક વરણામા ખાતે આવેલા ત્રિમંદિર ખાતે યોજાવાનો છે અને મુખ્યમંત્રીના હસ્તે બંને સ્થળોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાશે. હવે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના ચૂંટાયેલા બંને મહિલા હોદ્દેદારોને નિમંત્રણ પત્રિકામાં સ્થાન કેમ આપવામાં આવ્યું નથી તે મુદ્દો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વિશેષ બાબત એ છે કે જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારી બક્ષીપંચ સમાજમાંથી આવે છે, જ્યારે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે.