Baroda

માંજલપુર બેઠકની પેટા ચૂંટણી આચાર સંહિતા ઉઠતાની સાથે સ્થાયી સમિતિમાં 75 કરોડના કામો રજૂ થતા વિવાદ

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા માંજલપુર પેટાચૂંટણીની આચારસંહિતા ઉઠતા જ ₹75 કરોડના વિકાસ કામો સ્થાયી સમિતિમાં રજૂ થયા છે. 7 ઓગસ્ટે મળનારી બેઠકમાં દંતેશ્વરમાં નવી ઓફિસ, નવાપુરામાં જન્મ-મરણ શાખા, ગોત્રીમાં ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન અને હરણીમાં સ્વિમિંગ પૂલના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાશે. જોકે, કેટલાક કામોમાં અંદાજ કરતાં વધુ ભાવ આવતા કોર્પોરેશનને ₹2.40 કરોડનો વધારાનો બોજ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર બેઠકની પેટા ચૂંટણી આચાર સંહિતા ઉઠતાની સાથે સ્થાયી સમિતિમાં 75 કરોડના કામો રજૂ થતા વિવાદ

Vadodara Corporation : વડોદરા વિધાનસભાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીની આચારસંહિતા ઉઠી જતાની સાથે જ વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં 75 કરોડના વિકાસના કામો રજૂ થયા છે. જેમાં કેટલાક કામોમાં અંદાજ કરતા વધુ ભાવ આવ્યા છે જેને કારણે કોર્પોરેશનને વધારાના રૂ.2.40 કરોડ ચુકવવાનો વારો આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી તા.7 ઓગસ્ટ, શુક્રવારે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં વિવિધ નવા વિકાસ આયોજનને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. તેમાં દંતેશ્વરમાં નવી વહીવટી કચેરી, નવાપુરામાં જન્મ-મરણ સહિત વિવિધ વિભાગોની નવી ઓફિસ, ગોત્રીમાં બીજા તબક્કાનું ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન અને હરણીમાં નવો સ્વિમિંગ પૂલ બનાવવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
દક્ષિણ ઝોનના દંતેશ્વર ખાતે મનન પાર્ક સામે વહીવટી વોર્ડ નં.16ની નવી કચેરી બનાવવા માટે હરિ કન્સ્ટ્રક્શનનું રૂ.4,91,92,394નું ભાવપત્રક રજૂ થયું છે, જે અંદાજ કરતાં 2.8 ટકા ઓછું છે. ઉત્તર ઝોનના નવાપુરામાં સરદાર માર્કેટની જગ્યામાં જન્મ-મરણ શાખા તથા અન્ય વિભાગો માટે નવી ઓફિસ બનાવવા માટે શિવમ કન્સ્ટ્રક્શનનું રૂ.32,92,86,062નું, ગોત્રી ટીપી-60 એફપી-205 ખાતે બીજા તબક્કાના ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન માટે દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શનનું રૂ.7,01,53,275નું તેમજ હરણી ટીપી-01 એફપી-153 ખાતે નવા સ્વિમિંગ પૂલ માટે સૌમ્યા કન્સ્ટ્રક્શનનું રૂ.11,67,91,925નું ભાવપત્રક રજૂ કરવામાં આવ્યું છે. આ ત્રણેય ટેન્ડર અનુક્રમે 5.78 ટકા, 7.50 ટકા અને 1 ટકા અંદાજ કરતાં વધુ છે.
આ ત્રણ કામોમાં અંદાજિત કિંમત કરતાં વધુ ભાવ સ્વીકારવાની સ્થિતિ ઊભી થતાં મહાનગરપાલિકાને કુલ રૂ.2,40,43,504નો વધારાનો બોજ પડશે. વિકાસના નવા આયોજન સાથે ખર્ચમાં થયેલા વધારાને લઈને વિવાદ સર્જાયો છે.