અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ વચ્ચે ઝડપી સંપર્ક માટે 45 વોકીટોકી ભાડે લેવાતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ તેમજ ફિલ્ડના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અને અસરકારક સંકલન માટે વોકીટોકી ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ હંગામી ચીફ ફાયર ઓફિસરને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાએ 45 વોકીટોકી છ મહિના માટે ભાડેથી લેવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. જેના કારણે ટેન્ડર પ્રક્રિયા આગળ વધી શકી ન હતી.
ત્યારબાદ જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ કોન્ટ્રાક્ટર આર્યા ઓમ્નીટોક વાયરલેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને 2 જુલાઈના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. 45 વોકીટોકી છ મહિના માટે ભાડે લેવામાં આવ્યા છે.
દરેક વોકીટોકીનું માસિક ભાડું જીએસટી સહિત રૂ.1,770 નક્કી કરવામાં આવ્યું છે. આ મુજબ 45 વોકીટોકી માટે છ મહિનાના સમયગાળા દરમિયાન કુલ રૂ.4,77,900નો ખર્ચ થવાનો છે.
હાલના 45 વોકીટોકી ઉપરાંત ભવિષ્યમાં વધુ વોકીટોકીની જરૂરિયાત ઊભી થાય તો કોઈ નવી ટેન્ડર કે અન્ય પ્રક્રિયા કર્યા વિના આ જ કોન્ટ્રાક્ટર પાસેથી વોકીટોકી ભાડે લેવાની અને તેનો ખર્ચ ચૂકવવાની મંજૂરી મેળવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.




