Baroda

વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે માટે કોન્ટ્રાક્ટની સમય મર્યાદા વધારવાની ભલામણથી વિવાદ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી, શાળાઓ સહિતની મિલકતોના નિભાવણી-સમારકામ માટેના વાર્ષિક સિવિલ કામગીરીના ઇજારાઓ સંબંધિત મહત્વપૂર્ણ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. પૂર્વ અને દક્ષિણ ઝોનના હાલના કોન્ટ્રાક્ટની સમયમર્યાદા 22 સપ્ટેમ્બરે પૂર્ણ થતી હોવાથી તેને લંબાવવા તથા દક્ષિણ ઝોનના કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં રૂ.2 કરોડનો વધારો કરવા દરખાસ્ત કરાઈ છે. ઉપરાંત, ઉત્તર ઝોન માટે રૂ.10 કરોડના નવા ઇજારાની પણ દરખાસ્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે માટે કોન્ટ્રાક્ટની સમય મર્યાદા વધારવાની ભલામણથી વિવાદ

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાની બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા આંગણવાડી, અતિથિગૃહ, સેનેટરી ઓફિસ, શાળાઓ સહિતની મિલકતોની નિભાવણી, સમારકામ તથા નવીનીકરણ જેવી સિવિલ કામગીરી માટે વાર્ષિક ઇજારા આપવામાં આવે છે. આ અંતર્ગત પૂર્વ અને દક્ષિણ ઝોનના હાલનાકોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂર્ણ થતી હોવાથી તેને લંબાવવા તેમજ દક્ષિણ ઝોનના કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં રૂ.2 કરોડનો વધારો કરવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
પૂર્વ ઝોન માટે રૂ.8 કરોડની નાણાકીય મર્યાદામાં અંદાજિત ભાવ કરતાં 15.50 ટકા ઓછા દરે કોન્ટ્રાક્ટર જય એન્ટરપ્રાઇઝના ભાવપત્રને વર્ષ 2025માં મંજૂરી આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટની સમયમર્યાદા આગામી 22 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. નવો ઇજારો મંજૂર ન થાય ત્યાં સુધી હાલના કોન્ટ્રાક્ટની સમયમર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
તેવી જ રીતે દક્ષિણ ઝોન માટે પણ રૂ.8 કરોડની નાણાકીય મર્યાદામાં યુનિટ રેટથી 15.50 ટકા ઓછા દરે કોન્ટ્રાક્ટર રેમીન્સ ગ્રુપને વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો છે. તેની પણ સમયમર્યાદા 22 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. તેથી નવો ઇજારો મંજૂર ન થાય ત્યાં સુધી હાલના ઇજારાની સમયમર્યાદા વધારવા ઉપરાંત રૂ.8 કરોડની નાણાકીય મર્યાદામાં વધુ રૂ.2 કરોડનો વધારો કરવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત વર્ષ 2026-27 માટે ઉત્તર ઝોનમાં સિવિલ કામનો વાર્ષિક ઇજારો રૂ.10 કરોડની નાણાકીય મર્યાદામાં આપવા માટે રાકેશ કન્સ્ટ્રક્શનનું ભાવપત્રક મંજૂરી માટે રજૂ થયું છે. ટેન્ડર પ્રક્રિયાના પ્રથમ પ્રયાસમાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો ન હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં બે કોન્ટ્રાક્ટરે ટેન્ડરમાં ભાગ લીધો હતો અને બંને ક્વોલિફાય થયા હતા. બંને પૈકી રાકેશ કન્સ્ટ્રક્શનનું ભાવપત્રક સૌથી ઓછું રહ્યું છે. કોન્ટ્રાક્ટરે અંદાજિત ભાવ કરતાં 11.10 ટકા ઓછા દરે કામગીરી કરવાની તૈયારી દર્શાવી હોવાથી તેનો ઇજારો મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે.