વડોદરા કોર્પોરેશનમાં ફરી કરાર આધારિત ભરતીનો માર્ગ અપનાવવાના નિર્ણયથી વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકામાં વર્ષ 1997 પછી શહેરની વસ્તી અને ભૌગોલિક વિસ્તાર અનેકગણો વધ્યો હોવા છતાં મહેકમમાં જરૂરી વધારો કરીને કાયમી ભરતી કરવાની જગ્યાએ તંત્રે ફરી એકવાર કરાર આધારિત ભરતીનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં 11 મહિનાના કરાર પર 190 વર્ગ-2 અને વર્ગ-3ના ટેકનિકલ કર્મચારીઓની ભરતી અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જોકે આ દરખાસ્ત સામે કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે વાંધો ઉઠાવ્યો છે.
દરખાસ્ત મુજબ પાણી પુરવઠા શાખા, ટાઉન ડેવલપમેન્ટ, હેરિટેજ સેલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પીએમ ઈ-બસ સેવા, ટુરિસ્ટ શાખા અને પાર્ક્સ એન્ડ ગાર્ડન સહિત કુલ સાત મહત્વની શાખાઓમાં 190 ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સાથે જ કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત, માસિક મહેનતાણું અને સેવાની શરતો નક્કી કરવાની સંપૂર્ણ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે રજૂઆત કરી છે કે અગાઉ કર્મચારીઓની લાયકાત, વેતન અને સેવા શરતો જેવી મહત્વની બાબતો સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ થતી હતી. હવે આ તમામ સત્તા સીધી કમિશનરને સોંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાને નબળી પાડે છે.
રજૂઆતમાં જણાવાયું છે કે મહાનગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી એન્જિનિયરો સહિત અનેક કર્મચારીઓ 11 મહિનાના અને ત્યારબાદ 6-6 મહિનાના કરાર પર સેવા આપી રહ્યા છે. JNNURM યોજના હેઠળ પણ વર્ષોથી આવી જ ભરતી કરવામાં આવી રહી છે. ઉંમર વધતા કરાર સમાપ્ત થતાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે, જેના કારણે તેમના પરિવાર સામે રોજગારીનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કરાર આધારિત ભરતીમાં ઇજારદારો દ્વારા કર્મચારીઓનું શોષણ થાય છે. ઓછા વેતનને કારણે ગુણવત્તાસભર અને અનુભવી સ્ટાફ મળતો નથી. જે કર્મચારીઓ અનુભવ મેળવે છે તેઓ વધુ સારા પગાર માટે અન્યત્ર નોકરી સ્વીકારી લેતા હોવાથી વિભાગોમાં સતત સ્ટાફની અછત રહે છે અને કામગીરી પર પણ તેની સીધી અસર પડે છે.
કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે સ્થાયી સમિતિ અધ્યક્ષ સમક્ષ કરાર આધારિત ભરતીની દરખાસ્તને નામંજૂર કરી મહાનગરપાલિકાના મહેકમમાં જરૂરી જગ્યાઓનો સમાવેશ કરીને નિયમિત અને કાયમી ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.









