ગોત્રી બ્રીજની ડિઝાઇન તૈયાર થાય નહીં અને નવી રોડ લાઇનના અમલ સુધી સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાનું બાંધકામ અટકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Municipal Corporation: વડોદરા કોર્પોરેશન દ્વારા યસ કોમ્પલેક્ષથી ગોત્રી તળાવથી ન્યુ અલકાપુરી વિસ્તારની ટ્રાફિકની સમસ્યા હલ કરવા નવો બ્રિજ બાંધવામાં આવનાર છે ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના મકાનનું નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે તે બ્રિજને નડતરરૂપ થાય તેવી શક્યતાઓ રહેલી છે જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે રોડ લાઈન અને બ્રિજની ડિઝાઇન તૈયાર થાય નહીં ત્યાં સુધી શાળાનું બાંધકામ અટકાવી દેવા સૂચના આપી છે.
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની ગોત્રી સ્થિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાનું મકાન નવું બાંધવાનું નક્કી થયું હતું અને તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. શાળામાં 20 ઓરડા તૈયાર થશે હાલમાં આ નવા મકાનનું બાંધકામ શરૂ થઈ ગયું છે ચાર મહિના પહેલા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે જ્યારે તેના પાયા બહાર આવ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા અડચણ ઊભી થઈ છે ત્યારે આ શાળા નવી બાંધતા અગાઉ શિક્ષણ સમિતિના સત્તાવાળાઓએ રોડ લાઇનની શું પરિસ્થિતિ છે કે પછી ભવિષ્યનું કોઈ આયોજન છે કે નહીં તેની જાણકારી લીધા વિના જ શાળાનું નવું મકાન બાંધવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હશે તેમ માનવામાં આવે છે. શાળાનું નવું મકાન બાંધવાની કામગીરી શરૂ થયાને જ્યારે ચાર મહિના થયા છે ત્યારે કોર્પોરેશન દ્વારા હાલની રોડલાઇનના અમલ માટે તથા નવા તૈયાર થનાર બ્રિજને આ મકાન નડતરરૂપ બનશે કે કેમ કેવી શક્યતાને આધારે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે તાત્કાલિક અસરથી ગોત્રીની ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા અને શિક્ષણ સમિતિના સત્તાધીશોને મૌખિક સૂચના આપી હાલમાં આ શાળાનું બાંધકામ કરવું નહીં અને ભવિષ્યમાં થનાર બ્રિજ અને હાલની રોડલાઇનને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં બાંધકામ કરવાનું રહેશે તેમ જણાવવામાં આવતા કામગીરી અટકી પડી છે.









