Baroda

તોફાનીઓએ ચાલુ ટ્રેનમાં ફટાકડા ફોડી મુસાફરોને હેરાન કર્યાની ફરિયાદ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
મથુરાથી વડોદરા આવતી ગરીબ રથ ટ્રેનમાં 2 ઓક્ટોબરે ભરતકુમાર રાણા અને તેમના ભાઈ સાથે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિનો કિસ્સો સામે આવ્યો છે. G-12 કોચમાં વિદ્યાર્થીઓએ મોટેથી ગીતો વગાડ્યા, બૂમાબૂમ કરી અને ચાલુ ટ્રેને ફટાકડા ફોડ્યા. વૃદ્ધ મુસાફરોએ 139 પર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં. વડોદરા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તોફાનીઓએ ચાલુ ટ્રેનમાં ફટાકડા ફોડી મુસાફરોને હેરાન કર્યાની ફરિયાદ

મથુરાથી વડોદરા આવી રહેલી ગરીબ રથ ટ્રેનમાં કેટલાક વિદ્યાર્થીઓ અને તેમની સાથેની અન્ય વ્યક્તિઓ દ્વારા મુસાફરોને હેરાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે.

અત્રેના માંજલપુર વિસ્તારમાં રહેતા ભરતકુમાર રાણા(૬૪) તેમના ભાઈ પ્રકાશકુમાર રાણા(૬૨) સાથે ગત ૨ ઓક્ટોબરે સાંજે ૭ વાગ્યે મથુરાથી વડોદરા આવવા નીકળ્યા હતા. જી-૧૨ કોચમાં નિઝામુદ્દીન તરફથી મુંબઈ તરફ જતા કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો દ્વારા મોટા અવાજે ગીતો વગાડવા, તાળીઓ પાડવા અને બૂમાબૂમ કરવામાં આવતી હોવાથી ભરતકુમારે તેમને અન્ય મુસાફરોને પરેશાન ન કરવા અને શાંતિ જાળવવા કહેવા છતાં કોઈ ફેર પડયો નહોતો, જેથી ભરતકુમારે રેલવે હેલ્પલાઇન ૧૩૯ પર ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ અસરકારક કાર્યવાહી નહીં થતાં ફરી ફરિયાદ કરી હતી.

વધુમાં ઉમેર્યું કે ફરિયાદ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ અન્ય લોકોને પણ બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની સીટ નજીક આવીને ચાલુ ટ્રેનમાં ફટાકડા ફોડયા હતા. બંધ કોચમાં ફટાકડા ફોડવામાં આવતાં આગ લાગવા, મુસાફરો દાઝવા અને મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. આ ઉપરાંત, વડોદરા પહોંચ્યા સુધી બૂમાબૂમ કરવી, પગ ખેંચવા, પાણી નાખવું અને મોબાઈલની ટોર્ચ આંખો પર મારવી જેવી હરકતો કરાયોનો પણ આક્ષેપ છે. જેના કારણે વૃદ્ધ મુસાફરને માનસિક તણાવ હેઠળ મુસાફરી કરવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે.

૩ ઓક્ટોબરે સવારે આશરે ૫ વાગ્યે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ ભરતકુમારે રેલવે પોલીસના એસઆઈ મુકેશકુમાર તથા બે કોન્સ્ટેબલને સંબંધિત વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને રૃબરૃ બતાવ્યા હોવા છતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આક્ષેપ છે. ચાલુ મુસાફર ટ્રેનમાં ફટાકડા ફોડવાની ઘટનાને માત્ર મુસાફરો દ્વારા કરવામાં આવતો સામાન્ય ન્યૂસન્સ નહીં પરંતુ મુસાફરોની સલામતી અને રેલવે સંપત્તિ માટે જોખમી ઘટના ગણાવી ઊંડાણપૂર્વક તપાસની માગ કરાઈ છે. ઉક્ત અરજીના આધારે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.