કોમર્સ ફેકલ્ટીનો નવતર પ્રયોગ, એફવાયના વિદ્યાર્થીઓને સમાજસેવાના માર્કસ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીએ વર્તમાન શૈક્ષણિક વર્ષથી નવતર પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે.જે પ્રમાણે એફવાયના વિદ્યાર્થીઓને સમાજ સેવાના માર્કસ મળશે.
કોમર્સ ફેકલ્ટીમાં અગાઉ વિદ્યાર્થીઓ સામાજિક પ્રવૃત્તિ કરે તે બાબતનો ક્યારેય વિચાર પણ કરાયો નથી.જોકે આ વર્ષે એફવાયમાં પ્રવેશ મેળનારા ૭૦૦૦ વિદ્યાર્થીઓનું હાલમાં ઓરિએન્ટેશન ચાલી રહ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.
એફવાયના વિદ્યાર્થીઓ માટે બીજા સેમેસ્ટરમાં સોશ્યલ આઉટરીચ નામનો વિષય દાખલ કરવામાં આવ્યો છે.જેના બે-બે ક્રેડિટના બે પેપર રહેશે.આ પેપરના ભાગરુપે વિદ્યાર્થીઓના ગુ્રપ બનાવીને તેમને સોશ્યલ વર્ક માટેના વિવિધ પ્રોજેકટ આપવામાં આવશે.આ માટે જરુર પડે તો મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા પોલીસ તંત્ર તેમજ અન્ય સરકારી એજન્સીઓ તથા સામાજિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.
કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ સોશ્યલ વર્કના ભાગરુપે કયા પ્રોજેકટ હાથ ધરી શકાય તે માટે આજે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આવેલા એફવાયના વિદ્યાર્થીઓના પણ અભિપ્રાય લીધા હતા.સાથે સાથે અધ્યાપકોની એક બેઠક બોલાવીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.









