પાવર ગ્રીડની હાઈટેન્શન લાઈનના વળતર મુદ્દે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ : યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનના વળતરના મુદ્દે ખેડૂતો અને સરકારી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ખેડૂતો બેઠકનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા હતા. તંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાનો અને એકતરફી નિર્ણય થતો હોવાનો આક્ષેપ કરીને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનને કારણે ખેડૂતોની જમીનને અસર થઈ રહી છે. આ મુદ્દે જમીનના વળતરની રકમ અને તેના દર નક્કી કરવા માટે કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં વળતરના મૂલ્યાંકન અને ખેડૂતોની રજૂઆતોને લઈને વિવાદ સર્જાયો હતો.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારી તંત્ર દ્વારા વળતરનું મૂલ્યાંકન એકતરફી રીતે કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોના વાંધા-સૂચનોને યોગ્ય મહત્ત્વ આપવામાં આવતું નથી. બેઠક દરમિયાન એક ખેડૂતને ‘દલાલ’ કહેવામાં આવતાં પણ વિવાદ વકર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, તેમની સંમતિ વિના તંત્ર દ્વારા નક્કી કરવામાં આવતા દરને અંતિમ માની લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો ખેડૂતો વળતરના દર સાથે સહમત નહીં થાય તો તેમની સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી. આ પ્રકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં ખેડૂતોએ બેઠક છોડવાનો નિર્ણય લીધો હતો.
ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમની જમીનના યોગ્ય વળતરનો પ્રશ્ન ઉકેલાય અને તેમની રજૂઆતોને ન્યાય મળે તે જરૂરી છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ખેડૂતો સંગઠિત થઈને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.




