Baroda

વડોદરામાં ટ્રાફિક જંક્શનથી 30 મીટર સુધીનાં દબાણો દૂર કરવાનો દાવો કાગળ પર

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ટ્રાફિક અને દબાણ હટાવવા માટે કોર્પોરેશન દ્વારા 14 મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર પ્રતિબંધ મૂક્યો હતો. જૂન 2026માં જાહેર કરાયેલી નોટિસ મુજબ, સ્ટ્રીટ વેન્ડર્સને સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી જ ધંધો કરવાની મંજૂરી હતી. પાંચ મહિના પછી પણ નિયમોનો અમલ ન થતાં, મુખ્ય માર્ગો પર શેડ, ટેબલ-ખુરશીઓ અને મોડી રાત સુધી લારી-ગલ્લા ચાલુ રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ટ્રાફિક જંક્શનથી 30 મીટર સુધીનાં દબાણો દૂર કરવાનો દાવો કાગળ પર

Vadodara News : વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા અને જાહેર રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના 14 મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા અને પથારા મૂકવા પર પ્રતિબંધ મૂકવાની સાથે સ્ટ્રીટ વેન્ડર્સ માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી. જોકે, જાહેર નોટિસ બહાર પડ્યાના પાંચ મહિના બાદ પણ તેનો કડક અમલ થતો ન હોવાની સ્થિતિ સામે આવી રહી છે. મુખ્ય માર્ગો પર શેડ ઊભા કરીને ટેબલ-ખુરશીઓ મૂકવામાં આવે છે, જ્યારે મોડી રાત સુધી લારી-ગલ્લા ધમધમતા રહે છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના તંત્રના દાવા સામે સવાલો ઊભા થયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન-મિલકત શાખા (કોમર્શિયલ) દ્વારા જૂન, 2026માં જાહેર કરાયેલી નોટિસ મુજબ, સ્ટ્રીટ વેન્ડર્સને સાંજે 7થી રાત્રે 11 વાગ્યા સુધી જ લારી, ગલ્લા અને પથારા પર ધંધો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દરેક વેપારીને માત્ર એક જ લારી રાખવાની છૂટ આપવામાં આવી હતી. લારી સિવાય મૂકવામાં આવતા ટેબલ, ખુરશી, શેડ અને અન્ય દબાણો દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આમ છતાં મુખ્ય માર્ગો પર શેડ બાંધીને ટેબલ-ખુરશીઓ મૂકવાનો સિલસિલો અટક્યો નથી.
નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વેપારીઓએ નક્કી કરેલી સમયમર્યાદામાં જ વ્યવસાય કરવાનો રહેશે અને રાત્રે 11 વાગ્યા બાદ તમામ લારી-ગલ્લા તથા માલસામાન સ્થળ પરથી હટાવી જગ્યા ખાલી કરવી ફરજિયાત રહેશે. નિયમનો ભંગ કરનાર સામે લારી-ગલ્લા જપ્ત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં શહેરમાં મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી લારી-ગલ્લા યથાવત્ રહેતા હોવાની સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરે છે.
શહેરના તમામ ટ્રાફિક જંક્શન અને સર્કલથી 30 મીટરના વિસ્તારમાં આવેલાં દબાણો, લારી-ગલ્લા તથા અન્ય અવરોધો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક જંક્શન પર ડાબી તરફ વળાંક માટેનો માર્ગ ખુલ્લો રાખવા તેમજ જરૂરિયાત મુજબ નવા ડિવાઇડર, બોલાર્ડ અને સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની પણ સૂચના અપાઈ હતી. જોકે, જંક્શન અને સર્કલની આસપાસ આજે પણ દબાણો જોવા મળતાં આ સૂચનાઓનો અમલ કેટલો થયો છે તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.
શહેરમાં વર્ષ 2019 દરમિયાન સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા આશરે 22 હજાર હતી, જે હાલ વધીને 30 હજાર સુધી પહોંચી હોવાનું જણાવવામાં આવે છે. બીજી તરફ, હાલ 14 મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા અને પથારા મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અન્ય માર્ગોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હાલના પ્રતિબંધિત માર્ગો પર જ નિયમોનો અમલ કરાવવામાં તંત્રને મુશ્કેલી પડી રહી હોય તેવી સ્થિતિ વચ્ચે નવા માર્ગો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સામે પણ સવાલો ઊભા થયા છે.