Baroda

વડોદરા કોર્પોરેશન દ્વારા કરારને મંજૂરી આપવામાં વિલંબ થતાં સીટી બસ સેવા ઠપ્પ : મુસાફરો અટવાયા

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં વિનાયક લોજિસ્ટિક્સની સિટી બસ સેવા અચાનક બંધ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. 160 સિટી બસોના પૈડા થંભી જતાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને કામદારો અટવાયા. પાલિકાએ કરારમાં 3 મહિનાનું એક્સટેન્શન આપતાં 190 બસો ફરી શરૂ થઈ. સંકલનના અભાવે સર્જાયેલી આ સ્થિતિ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ખેદ વ્યક્ત કર્યો. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી અપાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશન દ્વારા કરારને મંજૂરી આપવામાં વિલંબ થતાં સીટી બસ સેવા ઠપ્પ : મુસાફરો અટવાયા

Vadodara Corporation : વડોદરા શહેરમાં સીટી બસ સેવા પૂરી પાડતી વિનાયક લોજિસ્ટિક્સની બસ સેવા આજે સવારે અચાનક બંધ થઈ જતાં અસંખ્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. કામ ધંધે જવા નીકળેલા લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પર અટવાઈ ગયા હતા. લગભગ 160 જેટલી સીટી બસોના પૈડા અચાનક થંભી જતાં તંત્રના સંકલનના અભાવે સર્જાયેલી સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાએ વિનાયક ટ્રાન્સપોર્ટ સર્વિસના કરારમાં ત્રણ મહિનાનું એક્સટેન્શન મંજૂર કરતાં સીટી બસ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. હવે શહેરમાં 160 સીટી બસો ઉપરાંત 30 ઇલેક્ટ્રિક બસો મળીને કુલ 190 બસો કાર્યરત રહેશે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ, વિનાયક ટ્રાન્સપોર્ટ સર્વિસનો કરાર પૂર્ણ થતાં ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય ત્યાં સુધી હાલની સેવા યથાવત રાખવામાં આવશે. તેમણે સ્વીકાર્યું કે સંકલનના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. બસ સેવા બંધ કરતાં પહેલાં કંપનીએ પાલિકાનો સંપર્ક કર્યો નહોતો. સમયસર જાણ થઈ હોત તો સ્થિતિ સ્પષ્ટ કરી શકાઈ હોત. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની કાળજી રાખવામાં આવશે.
સીટી બસ સેવા અચાનક બંધ થતાં મુસાફરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આગોતરા જાણ કે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોએ સવાલ ઉઠાવ્યો છે કે આવી પરિસ્થિતિ ફરી નહીં સર્જાય તેની જવાબદારી કોણ લેશે? ઉલ્લેખનીય છે કે, સીટી બસના કરારની સમયમર્યાદા પૂર્ણ થવાની જાણ હોવા છતાં આગોતરું આયોજન કરવામાં આવ્યું નહોતું. શહેરમાં અંદાજે 250 બસોની જરૂરિયાત સામે હાલમાં માત્ર 160 સીટી બસો અને 30 ઇલેક્ટ્રિક બસો સહિત કુલ 190 બસો જ દોડી રહી છે, જેના કારણે જાહેર પરિવહન વ્યવસ્થા પર પહેલેથી જ દબાણ છે.

કરાર વિના બસ ચલાવવી શક્ય નથી : કોર્પો.જાણ બાદ પુનઃશરૂ : સંચાલક

સીટી બસ સેવા સંચાલક નરેન્દ્રસિંહ રાણાના જણાવ્યા મુજબ, વિનાયક ટ્રાન્સપોર્ટનો કરાર ઓક્ટોબર-2022માં પૂર્ણ થઈ ગયો હતો અને ત્યારથી સમયાંતરે એક્સટેન્શનના આધારે સેવા ચાલુ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે કરાર પૂર્ણ થવાના 15 દિવસ પહેલાં જાણ કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોઈ જાણ કરવામાં આવી નહોતી. કરાર વિના બસ સેવા ચાલુ રાખવાથી જવાબદારી સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે તેમ હોવાથી સવારે 5:30થી 10:30 વાગ્યા સુધી બસ સેવા બંધ રાખવામાં આવી હતી. બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યાની ટેલિફોનિક જાણ થતાં બસ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ એક વખત એક્સટેન્શન માત્ર એક દિવસ પહેલાં રાત્રે 9 વાગ્યે આપવામાં આવ્યું હતું. 18 વર્ષથી સેવા આપીએ એક પણ વખત સ્ટ્રાઇક થઈ નથી તેવો રેકોર્ડ છે.