Baroda

સોમા તળાવની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત નાગરિકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે દક્ષિણ વિસ્તારમાં લોકહિતની રેલી યોજી વિરોધ નોંધાવ્યો. સોમા તળાવ આસપાસની વૈષ્ણવપાર્ક સહિતની સોસાયટીઓમાં ગંદા પાણી, ડ્રેનેજ ચોકઅપ અને કચરાના ઢગલાની સમસ્યાથી નાગરિકો પરેશાન છે. વારંવારની ફરિયાદો છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા, તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરાઈ અને આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમા તળાવની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત નાગરિકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Vadodara Corporation : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા સોમા તળાવની આસપાસની સોસાયટીઓમાં ગંદા પાણી, ડ્રેનેજ ચોકઅપ અને કચરાના ઢગલાની સમસ્યાને લઈને પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ગઈકાલે લોકહિતની રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે તેમણે તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી અને આંદોલનની ચીમકી આપી હતી.
ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સોમા તળાવની આસપાસ આવેલી વૈષ્ણવપાર્ક, વૈષ્ણવવિલા સહિતની અન્ય સોસાયટીઓમાં ગંદુ પાણી આવવાની અને ડ્રેનેજ ચોકઅપ થવાની ફરિયાદો વારંવાર કરવામાં આવી રહી છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. નાગરિકો નિયમિત વેરો ભરે છે, પરંતુ વેરો ભરવામાં મોડું થાય તો 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. બીજી તરફ નાગરિકોની મૂળભૂત સુવિધાઓની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવતું ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સફાઈ કામગીરી નિયમિત થતી નથી અને કચરાના ઢગલાનો નિકાલ પણ કરવામાં આવતો નથી. જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. લોકોની સમસ્યાઓ પ્રત્યે વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોર્પોરેશનના વહીવટ સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે કમિશનર તરફથી 'દેખ લેંગે' જેવા જવાબો મળે છે, પરંતુ ડ્રેનેજ, રસ્તા, પાણી અને સફાઈ જેવી કોર્પોરેશનની મૂળભૂત કામગીરી પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. થોડો વરસાદ પડે તો રસ્તાઓ પર ખાડા પડી જાય છે. નાગરિકોની વેદના સામાન્ય સભામાં રજૂ કરવાની હોય ત્યારે શાસક પક્ષના મળતીયાઓ દ્વારા વિપક્ષને બોલવા દેવામાં આવતું ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.