રણોલીમાં પાંચ દિવસથી કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગરિકોને ભારે હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી રહીશોની હાલત કફોડી બની છે. છેલ્લા પાંચ દિવસથી દુર્ગંધનું પ્રમાણ વધી જતાં ઘરની અંદર અને બહાર રહેવું મુશ્કેલ બન્યું છે. દુર્ગંધથી બાળકોને ઊલટી થતી હોવાની અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો વચ્ચે ગઈકાલે મોડીરાતે ગ્રામજનો મોઢે રૃમાલ બાંધી રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે, સોસાયટીમાં સામાન્ય રીતે પણ કેમિકલ જેવી દુર્ગંધ અવારનવાર આવતી રહે છે, પરંતુ છેલ્લા પાંચ દિવસથી તેની તીવ્રતા વધી ગઈ છે. ઘરના દરવાજા-બારીઓ બંધ રાખવા છતાં દુર્ગંધથી રાહત મળતી નથી. બાળકોની તબિયત પર અસર થતી હોવાની અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની વાત સામે આવતાં રહીશોમાં ચિંતા વધી છે.
સોસાયટી નજીક કેમિકલ ભરેલા ટેન્કરો ધોવા માટેનાં સર્વિસ સ્ટેશન આવેલા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત, રણોલી જીઆઇડીસીના ટેન્કરોમાંથી કેમિકલ રણોલી નજીકની ગટરોમાં ઠાલવવામાં આવતું હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
રહીશોેએ કહ્યું કે સરપંચે તલાટી આવે તો જ તેઓ સ્થળ પર આવે તેવો જવાબ આપ્યો છે. દુર્ગંધથી પરેશાન રહીશોને તાત્કાલિક રાહત મળે તે માટે સમસ્યાનું મૂળ કારણ શોધવાના બદલે જવાબદારી એકબીજા પર ઢોળાતા હોદ્દેદારો અને અધિકારીઓ સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. આવી સ્થિતિમાં ગ્રામ પંચાયત, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત આરોગ્ય વિભાગે સંકલન કરીને તપાસ કરવી જરૃરી છે.
દુર્ગંધ ક્યાંથી આવે છે, ટેન્કરો ધોવાના સ્થળે નિયમોનું પાલન થાય છે કે નહીં અને ગટરમાં કેમિકલ છોડવામાં આવે છે કે નહીં તેની તપાસ કરીને જવાબદાર સામે પગલાં ભરવા રહીશોની માગ છે.



