બાળ તસ્કરીનું સિધ્ધપુરથી મુંબઇ સુધી નેટવર્કઃદોઢ મહિનામાં 4 બાળકો 3-3 લાખમાં વેચાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં નવજાત શિશુનો માત્ર રૃ.ત્રણ લાખમાં સોદો કરતી સિધ્ધપુર પાટણની ગેંગના વધુ બે વચેટિયાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પૂછપરછ કરતાં પાટણની બાળ તસ્કરી કરતી ગેંગ દ્વારા દોઢ માસના ગાળામાં ચાર નવજાત બાળકોને મુંબઇમાં વેચવામાં આવ્યા હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે.
સિધ્ધપુરથી આઠ દિવસના બાળકને લઇ મુંબઇ જવા નીકળેલા મનોજ રાવળ અને તેની પત્ની વીણા રાવળ(ચાટાવાડા ગામ, સિધ્ધપુર)ને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર એન બારૈયા અને ટીમે ઝડપી પાડતાં રૃ.ત્રણ લાખમાં બાળકનો સોદો મુંબઇના કોઇ ડોક્ટર સાથે થયો હોવાની વિગતો બહાર આવી હતી.
પોલીસે બાળકને મુંબઇ મોકલનાર મનોજ ના સાળા સુનિલ રાવળ(ચાટાવાડા ગામ)ને દબોચી લઇ છ દિવસના રિમાન્ડ પર લેતાં બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.પીઆઇ સંજય ગામેતી અને ડીજે ચુડાસમાની ટીમે વધુ તપાસ કરતાં સુનિલ રાવળ અને તેના અન્ય બે સાગરીત દલપત ધુળા રાવળ(ચાટાવાડા ગામ)તેમજ નગીન ઉર્ફે નગા જગા ભગોરા(મોમેર ગામ,ઉદેપુર, રાજસ્થાન)પણ બાળકો શોધવામાં વચેટિયા તરીકે રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી.જેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુનિલ રાવળે રિમાન્ડ દરમિયાન દોઢ મહિનામાં કુલ ચાર નવજાત બાળકોને મુંબઇમાં ત્રણ-ત્રણ લાખમાં વેચ્યા હોવાની કબૂલાત કરી છે.મુંબઇમાં ડોક્ટર સોહિલ ઉપરાંત પ્રવીણ,કવિતા અને શીતલ નામના એજન્ટોએ આ બાળકો લઇને કોને આપ્યા છે તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.જેથી પોલીસની ચાર ટીમો મહારાષ્ટ્ર અને રાજસ્થાન રવાના થઇ છે.
બાળકનો સોદો કરનાર મુંબઇનો સોહિલ ડોક્ટર નહિ પણ રિક્ષાચાલક છે
બાળ તસ્કરીના નેટવર્કમાં મુંબઇના ડોક્ટર તરીકે ઓળખ આપનાર એજન્ટ રિક્ષા ચાલક હોવાની વિગતો બહાર આવી છે.
પોલીસના કહ્યા પ્રમાણે,બાળકોનો સોદો કરતી ગેંગ સાથે મુંબઇનો સોહિલ અલ્લાબસર હુસેન નદાબ ડોક્ટર તરીકે ઓળખ આપતો હતો,પરંતુ હકીકતમાં તે રિક્ષાચાલક છે અને કોલ્હાપુરનો વતની હોવાની વિગતો બહાર આવી છે.
સોહિલ માત્ર વોટ્સએપ ઉપર જ વાત કરતો હતો અને તેણે બાળકને લઇ મનોજ અને વીણાને મુંબઇ બોલાવ્યા હતા.જેથી સોહિલ ઉપરાંત અન્ય ત્રણ એજન્ટો પ્રવીણ,કવિતા અને શીતલને શોધવા ક્રાઇમ બ્રાન્ચે મુંબઇ પોલીસની મદદ લીધી છે.
સુનિલનો ગુરૃ દલપત ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નો કરાવી બાળકોની વોચ રાખતો હતો
બાળ તસ્કરીના નેટવર્કમાં કેન્દ્ર બિંદુ ગણાતા સુનિલ રાવળનો ગુરૃ દલપત રાવળ હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસે સુનિલના ગામમાં રહેતા દલપત રાવળની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે આદિવાસી વિસ્તારોમાં લગ્નો ગોઠવી આપવાનું કામ કરતો હોવાની અને તે દરમિયાન નવજાત બાળકો પર વોચ રાખતો હોવાની વિગતો બહાર આવી છે.
દલપત પાસેથી સુનિલ અને નગીન ઉર્ફે નગો ભગોરા બાળ તસ્કરીનું કામ શીખ્યા હતા.સાંબરકાંઠાનો શ્રવણ પરમાર નામનો વચેટિયો મુંબઇ અને સિધ્ધપુરના એજન્ટો વચ્ચે સંપર્ક સૂત્ર હોવાનું ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.









