ચાર દરવાજા તેમજ ફતેપુરા, યાકુતપુરા, વાડી, ચોખંડી વિસ્તાર બન્યા રાત્રી બજાર : દબાણ હટાવવામાં વહાલા દવલાની નીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારના મુખ્ય રસ્તા તેમજ ફતેપુરા, યાકુતપુરા ,પાણીગેટ, વાડી, ચોખંડી વિસ્તારો હવે ખાણીપીણીના બજારમાં ફેરવાઈ ગયા છે. સાંજે 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી મુખ્ય માર્ગ પર ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ ઉભા કરી ધંધો કરવામાં આવતો હોવાથી વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે.
મુખ્ય માર્ગ પર 24 કલાક વાહનોની ભારે અવરજવર રહે છે. તેમ છતાં રસ્તાની બંને તરફ ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ ઉભા કરી દેવાતા તેમજ લારીઓની આગળ ગ્રાહકો દ્વારા વાહનો પાર્ક કરવામાં આવતા માર્ગનો ઉપયોગી ભાગ સાંકડો બની જાય છે. પરિણામે રાત્રિના સમયે ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે.
ગેરકાયદે દબાણો અંગેની સ્થિતિને પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે ગઈકાલે કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ શાખા દ્વારા એક જ દિવસમાં બે વખત દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. લહેરીપુરાથી માંડવી સુધીના મુખ્ય રસ્તા પરના દબાણો બપોરે 4 વાગ્યે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે રાત્રે 10 વાગ્યે ટીમે ફરી એકવાર સ્થળ પર પહોંચી દબાણો હટાવ્યા હતા.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ખાણીપીણીના સ્ટોલ પરથી ટેબલ, શેડ, લારીઓ, પરચુરણ સામાન સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મહાપાલિકાની ટીમે કુલ ચાર ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે. ફતેપુરા યાકુતપુરા, પાણીગેટ, વાડી વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા નહીં
જેથી લારી ગલ્લા હટાવવામાં પણ દબાણ શાખાની ટીમ દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મુખ્ય માર્ગ પર ખાણીપીણીના સ્ટોલથી અકસ્માતનો ભય
મુક્તાનંદ સર્કલથી કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતા મુખ્ય માર્ગ પર ખાણીપીણીના સ્ટોલ ઊભા કરી ધંધો કરવામાં આવી રહ્યો છે. સ્ટોલ આગળ ગ્રાહકો પોતાના વાહનો રોડ પર પાર્ક કરતા હોવાથી માર્ગ સાંકડો બની રહ્યો છે. ભારે વાહનવ્યવહાર વચ્ચે રોડ પર થતા પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા સર્જાવાની સાથે અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.









