વડોદરાના સમા-હરણી લિંક રોડ પર 3 દિવસથી સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના સમા-હરણી લિંક રોડ પર સિગ્નસ શાળાની નજીક છેલ્લા ત્રણ દિવસથી સિમેન્ટની બોરીઓ ભરેલો એક ટ્રક માર્ગ પર જ ફસાઈ ગયો છે. રસ્તો ઘસી જતાં ટ્રકના આગળના ટાયર જમીનમાં ખૂંપી ગયા છે. પરિણામે ટ્રકનો અડધો ભાગ માર્ગની વચ્ચે આવી જતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.
ટ્રક ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે સિમેન્ટની બોરીઓ પહેલા ખાલી કરવી પડે તેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢી શકાય તેમ છે. જોકે, ટ્રક ચાલકના જણાવ્યા મુજબ સિમેન્ટ ખાલી કરવા માટે જરૂરી ટ્રેક્ટર અને મજૂરો ઉપલબ્ધ થઈ રહ્યા નથી. બીજી તરફ સિમેન્ટ મંગાવનાર બિલ્ડર દ્વારા પણ ટ્રક હટાવવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાની માહિતી સામે આવી છે.
ટ્રકનો અડધો ભાગ માર્ગની વચ્ચે હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા સામેથી આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે. શાળાની નજીકનો માર્ગ હોવાથી વાહન વ્યવહારનું પ્રમાણ પણ રહે છે. આવા સંજોગોમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રક યથાવત પડ્યો હોવા છતાં તેને હટાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તેવો સવાલ ઊઠી રહ્યો છે.
‘સામાન્ય વાહન હોય તો તરત ટોઈંગ, ટ્રક માટે આંખ આડા કાન કેમ?’
આ મામલે સામાજિક કાર્યકરે ટ્રાફિક તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સામાન્ય નાગરિકનું વાહન રસ્તા પર ખોટી રીતે પડ્યું હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ટોઈંગ કરવામાં આવે છે અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી માર્ગ વચ્ચે ભારે ટ્રક ફસાયેલો હોવા છતાં તેને હટાવવા માટે કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવાનું જણાઈ રહ્યું છે.
રસ્તા વચ્ચે ભારે વાહન ફસાઈ રહેવાને કારણે અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. અકસ્માત સર્જાય અને કોઈ જાનહાનિ કે નુકસાન થાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રક હટાવવામાં આવે તેવી માગ ઉઠી છે.









