સમા વિસ્તારમાં સ્કૂટરમાં ગાંજાના ત્રણ પાર્સલ સાથે કેરિયર પકડાયો,રાજસ્થાની સપ્લાયર વોન્ટેડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમા વિસ્તારમાં પોલીસે સ્કૂટરમાં ગાંજો લઇ જતા એક કેરિયરને ઝડપી પાડી પોણા બે કિલો જેટલો ગાંજો કબજે કર્યો હતો.પોલીસે આ દિશામાં પૂછપરછ કરી રાજસ્થાનના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
સમા વિસ્તારમાં સહેલીપાર્ક સોસાયટી પાસેથી પોલીસની ટીમ પસાર થતી હતી ત્યારે સ્કૂટર લઇને પસાર થતા નામચીન ગુનેગાર વિપુલ દિપકભાઇ રાઠવા (રહે. સહેલીપાર્ક,વ્રજ વાટિકા સામે,સમા)નજરે પડતાં પોલીસે તેને આંતરી પૂછપરછ કરી હતી.
આ દરમિયાન સ્કૂટરમાંથી ત્રણ પાર્સલ મળી આવતાં તેમાંથી કુલ રૃ.૮૫ હજાર ઉપરાંતનો ૧કિલો ૭૧૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે સ્કૂટર,મોબાઇલ અને ગાંજો મળી કુલ રૃ.સવા લાખથી વધુની મતા કબજે કરી હતી
મહિલા પીઆઇ યુ એચ વસાવાએ પૂછપરછ કરતાં વિપુલે ગાંજાનો જથ્થો રાજસ્થાનના કાંતિ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેને વોન્ટેડ જાહેર કરી રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.આ ઉપરાંત પોલીસે ગાંજાનું નેટવર્ક જાણવા માટે મોબાઇલ ની કોલ્સ ડીટેલ પણ મંગાવી છે.
વિપુલ રાઠવા સામે યુવકના અપહરણ, ગાયની હેરાફેરી સહિતના અડધો ડઝન કેસ
ગાંજા સાથે પકડાયેલા આરોપી વિપુલ રાઠવા સામે નવ મહિના પહેલાં ક્વાંટના મિહિર નામના યુવકનું અપહરણ કરી માર મારવાના બનાવ સહિત અડધો ડઝન જેટલા ગુનાઓ નોંધાયા છે.
સમા પોલીસના જણાવ્યા પ્રમાણે,વિપુલ રાઠવા સામે વર્ષ-૨૦૨૨માં સમા પોલીસમાં ચોરી,સિટિ પોલીસમાં દારૃ અને મહેસાણા ખાતે ગાયની હેરાફેરીના કેસો થયા હતા. જ્યારે,કરજણ અને છોટાઉદેપુરમાં પણ દારૃના કેસો થયેલા છે.









