માંજલપુર પેટાચૂંટણીનો પ્રચાર શાંત ઃ ૨૬૦ બૂથો પર કાલે વોટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણીની તૈયારીઓને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તા.૩૦મીએ યોજાનારી ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ પર પડદો પડી ગયો છે.
મતદારોની સુવિધા માટે આ વખતે પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટે 'મોબાઈલ ડિપોઝિશન સેન્ટર'ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ચોમાસાની તુને ધ્યાને રાખીને જ્યાં જરૃર જણાય ત્યાં રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને જળભરાવની સ્થિતિમાં 'ડી-વોટરિંગ પંપ' સાથેની 'ક્યુ-ટીમ' કાર્યરત કરવામાં આવી છે તેમ આજે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સમગ્ર મતદાન પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ (૫૨૦ કેમેરા)ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૃમથી કરવામાં આવશે. સુરક્ષા માટે ૧૪૦૦ થી વધુ પોલીસકર્મીઓની સાથે અર્ધ-લશ્કરી દળોની ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક મથકો પર માઈક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.
માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ ૨૧૯૪૯૪ મતદારો નોંધાયેલા છે, આ મતદારો માટે કુલ ૨૬૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૮૫ વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.




