વડોદરામાં 'વડના વૃક્ષ'ની થીમ પર બનશે બુલેટ ટ્રેન સ્ટેશન: 3 ઓવરબ્રિજથી મળશે રેલવે-બસ સ્ટેન્ડ અને અલકાપુરી સાથે સીધી કનેક્ટિવિટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bullet Train Station: વડોદરા હવે માત્ર શિક્ષણ અને ઉદ્યોગના શહેર તરીકે નહીં, પરંતુ હાઈસ્પીડ કનેક્ટિવિટીના નવા કેન્દ્ર તરીકે પણ વિકસવા જઈ રહ્યું છે. અમદાવાદ-મુંબઇ હાઈસ્પીડ રેલ કોરિડોર હેઠળ બનતું વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે ઝડપી મુસાફરીનું નવું માધ્યમ બનશે. અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મોટા શહેરો સાથે ઝડપી કનેક્ટિવિટી મળવાથી શિક્ષણ, ઇન્ટર્નશિપ, રોજગાર, સંશોધન અને વ્યવસાયિક તકો સુધી પહોંચ વધુ સરળ બનશે.
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનની સ્થાપત્ય રચના શહેરની ઓળખ સાથે જોડાયેલી છે. સ્ટેશનની ડિઝાઇન વડના વૃક્ષથી પ્રેરિત છે. પેસેન્જર વિસ્તારોમાં કુદરતી પ્રકાશ વધુ પ્રમાણમાં મળી રહે અને મુસાફરોને બહારના આકાશનાં દ્રશ્યો જોવા મળે તેવી રચના કરવામાં આવી છે. પરિણામે સ્ટેશનની અંદર ખુલ્લું, પ્રકાશમય અને આરામદાયક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ-7 ઉપર સ્ટેશન, રેલવે સાથે સીધી કનેક્ટિવિટી
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન હાલના વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ની ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ સ્થાનને કારણે બુલેટ ટ્રેન અને ભારતીય રેલવે વચ્ચે મુસાફરોનું સરળ ટ્રાન્સફર શક્ય બનશે. સાથે જ રેલવે સ્ટેશન ઉપરાંત શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો સાથે પણ સ્ટેશનનું એકીકરણ થશે.
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગતિ શક્તિ યુનિવર્સિટી અને IIIT જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત નવરચના યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ આવેલી છે. એન્જિનિયરિંગ, ફાર્મા, કેમિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોમાં રોજગાર અને ઉદ્યોગની તકો પણ છે. આવી સ્થિતિમાં હાઈસ્પીડ રેલ કનેક્ટિવિટી યુવાનોની ગતિશીલતા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

ત્રણ FOBથી રેલવે-બસ-શહેર સાથે જોડાણ
બુલેટ ટ્રેન સ્ટેશનને મુસાફરો માટે સરળતાથી પહોંચી શકાય તે માટે ત્રણ ફૂટ ઓવર બ્રિજ(FOB)થી જોડવામાં આવશે.
ફૂટ ઓવરબ્રિજ-1: 534 મીટર લાંબો બનશે જે બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને GSRTC સેન્ટ્રલ બસ ડેપો સાથે જોડશે. તેમાં ટ્રાવેલેટરની સુવિધા રહેશે.
ફૂટ ઓવરબ્રિજ-2: 90 મીટર લાંબો જે રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ બુલેટ ટ્રેન સ્ટેશનને શહેરના અલકાપુરી વિસ્તાર સાથે જોડશે.
ફૂટ ઓવરબ્રિજ-3: 51 મીટર લાંબો જે સ્ટેશનના પાર્કિંગ અને સ્ટેશન પ્લાઝા સાથે જોડાણ આપશે. તેમાં લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા રહેશે.
વેઇટિંગ લાઉન્જથી પાર્કિંગ સુધીની સુવિધા
સ્ટેશન પર મુસાફરો માટે વેઇટિંગ લાઉન્જ, શૌચાલય, રિટેલ સુવિધા, પિક-અપ અને ડ્રોપ-ઓફ વિસ્તાર, કાર-બસ-ઓટો માટે અલગ પાર્કિંગ, સ્ટેશન પ્લાઝા, પેસેન્જર વેઇટિંગ એરિયા, લેન્ડસ્કેપિંગ અને વે-ફાઇન્ડિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.
યુવાનોને મળનાર સુવિધાઓ
- અમદાવાદ, સુરત અને મુંબઈ સાથે ઝડપી કનેક્ટિવિટી
- શિક્ષણ, પરીક્ષા અને ઇન્ટર્નશિપ માટે ઝડપી અવરજવર
- રોજગાર અને વ્યવસાયિક તકો સુધી સરળ પહોંચ
- રેલવે-બસ-બુલેટ ટ્રેન વચ્ચે સરળ ટ્રાન્સફર
- અલકાપુરી સહિત શહેરના વિસ્તારો સાથે સીધું જોડાણ
- વડોદરા માટે હાઈસ્પીડ રેલ આધારિત નવી મોબિલિટી ઇકોસિસ્ટમ




