મુજપુર પાસે મંદિરમાં કરંટ લાગતા સગા ભાઇ અને બહેનના કરૃણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાદરા તાલુકાના મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાં એક મદિરમાં કરંટ લાગવાથી રાજપીપળા ખાતે મંદિરમાં દર્શન માટે જતા સગા ભાઈ-બહેનનાં કરૃણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલાઈપુરા વિસ્તારમાં પતરાના શેડથી બનાવવામાં આવેલા ચંદ્રિકા માતાના મંદિર નજીક ઝંડ મહારાજની ડેરી પાસે આ દુર્ઘટના બની હતી. આ મંદિરની બાજુમાં જ રહેતી મિતલ પઢિયાર(ઉ.વ.૨૨) અને તેમના ભાઈ જયદીપ પઢિયાર (ઉં.વ.૨૬) આજે રવિવાર હોવાથી વહેલી સવારે જાગીને રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન માટે જવા નીકળ્યા હતાં.
દરમિયાન ઘરની નજીકમાં જ આવેલા ચન્દ્રિકા માતાના મંદિરમાં બંને દર્શન માટે ગયા હતાં. મિતલ દર્શન કરીને બહાર નીકળી હતી થોડા સમય સુધી જયદીપ બહાર નહી આવતા તે મંદિરમાં પરત ગઇ ત્યારે તેનો ભાઇ મંદિરમાં નીચે પડેલો જણાયો હતો જેથી મિતલ તેને અડકતા તેને પણ કરંટ લાગતા બંને દાઝી ગયા હતાં. બંનેને તાત્કાલિક સારવાર માટે પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પતરાના શેડમાં બનાવેલા મંદિરમાં પતરાની એંગલો હતી જેને અડતા પ્રથમ જયદીપને કરંટ લાગ્યો હતો અને બાદમાં ભાઇને બચાવવા ગયેલી બહેનને પણ કરંટ લાગતા તેનું પણ મોત નીપજ્યું છે. આ અંગે પાદરા પોલીસે અકસ્માત મોતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.




