Baroda

પ્રેમિકા પર અન્ય પુરુષના ફોન આવતા પ્રેમીએ હત્યા કરી લાશ સળગાવી દીધી

By GS Team
29 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરા: વાઘોડિયાના ગુતાલ ગામે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી વિષ્ણુ મકવાણાએ જ લક્ષ્મી રોહિત (ઉ.વ.50)ની ધારીયા વડે હત્યા કરી હતી. પ્રેમ સંબંધમાં અન્ય પુરુષોના ફોન આવતા ઉશ્કેરાઈને તેણે આ કૃત્ય આચર્યું. લાશને ઘાસની ઓરડીમાં છુપાવી, બીજા દિવસે પુરાવાનો નાશ કરવા આગ ચાંપી દીધી. પોલીસે રીઢા વાહનચોર આરોપીને ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેમિકા પર અન્ય પુરુષના ફોન આવતા પ્રેમીએ હત્યા કરી લાશ સળગાવી દીધી

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે મહિલાની હત્યા બાદ લાશ સળગાવી દેવાની ઘટનાનો ભેદ ખૂલ્યો છે. મહિલાના પ્રેમીએ જ ખેતરમાં ધારીયું મારી હત્યા કર્યા બાદ લાશ ઘાસની ઓરડીમાં છૂપાવી બીજા દિવસે આગ ચાંપી દઇ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં રીઢા વાહનચોરને ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુતાલ ગામે જયેશ માવજીભાઇ ભાલીયાના ખેતરની ઓરડીમાં તા.૨૬ની બપોરે આગ લાગી હતી જેમાં એક મહિલાનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ અજાણી મહિલા ભાદરવા ગામની લક્ષ્મી ગિરીશભાઇ રોહિત (ઉ.વ.૫૦) હોવાની ઓળખ થઇ હતી. તા.૨૫ના રોજ સવારે નોકરી શોધવા જઉં છું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ તે ગુમ થઇ જવા અંગે ભાદરવા પોલીસમાં ગુમ થવાની નોંધ પણ થઇ હતી.
વાઘોડિયા પોલીસે મહિલાની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરતા સીસીટીવી કેમેરામાં લક્ષ્મી એક બાઇક પર બેસીને જતી જણાઇ હતી. જેથી તેના આધારે પોલીસે બાઇકચાલક વિષ્ણુ રતિલાલ મકવાણા (રહે.પસવા, તા.સાવલી) જાણવા મળતા તેને શોધીને પોલીસે તેની પૂછપરછ કરતાં હત્યાના ગુનાની કબૂલાત કરી હતી. વિષ્ણુએ પોલીસને જણાવ્યું હતું કે હું તેમજ લક્ષ્મી બંને મંજુસરની કંપનીમાં સાથે નોકરી કરતા હતા અને છેલ્લા દોઢ મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તા.૨૫ના રોજ સવારે નોકરી શોધવા માટે તેને બોલાવી હતી અને સાંજ પડી જતા અમો બંને બાઇક પર બેસીને ગુતાલ ગામ તરફ ગયા હતાં.
ગામમાં અવાવરૃ ખેતરમાં બેસીને વાત કરતા હતા ત્યારે લક્ષ્મીના મોબાઇલ પર અન્ય પુરુષોના પણ ફોન આવતા હું ઉશ્કેરાઇ ગયો હતો અને આવેશમાં આવીને લોખંડના ધારીયાથી માથામાં મારી તેની હત્યા કરી લાશને ડાંગરના ઘાસના પુડાની વચ્ચે ઓરડીમાં સંતાડી જતો રહ્યો હતો. બીજા દિવસે બપોરે આવીને લાશની ઓળખ ના થાય તે માટે અગા લગાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ૪૦ વર્ષનો વિષ્ણુ રીઢો વાહનચોર છે.

વિષ્ણુ સામે વાહનચોરીના એક ડઝન ગુના

સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતો વિષ્ણુ મકવાણા રીઢો વાહનચોર છે. તે સાવલી તાલુકાની કંપનીમાં લેબરો આપવાનું પણ કામ કરતો હોવાથી તે લક્ષ્મીના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિષ્ણુ સામે વાહનચોરીના એક ડઝન જેટલા ગુના નોંધાયા છે જેમાં વડોદરા શહેરના ગોત્રી, બાપોદ, પાણીગેટ, ફતેગંજ, કિશનવાડી, હરણી, ફતેગંજ, વાડી, જવાહરનગર તેમજ જિલ્લામાં વાઘોડિયા ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

લક્ષ્મી સાથે વિષ્ણુની ૪૦ વખત વાતચીત, મોબાઇલ અને બાઇક પણ ચોરીની

ભાદરવા ગામની લક્ષ્મી અને વિષ્ણુ વચ્ચે ૪૦થી વધુ વખત વાતચીત થઇ હોવાનું બહાર આવ્યું છે. હત્યા સમયે વિષ્ણુએ ચોરીનો મોબાઇલ ઉપયોગ કર્યો હતો આ મોબાઇલ તેને સાવલી તાલુકામાંથી ચોરી કર્યો હતો જ્યારે બાઇક પણ ચોરીનું હતું અને તે હાલોલ તાલુકામાંથી ચોરી કર્યું હતું. વિષ્ણુ સામે હત્યા ઉપરાંત હવે વાહનચોરી તેમજ મોબાઇલચોરીના પણ કેસ નોંધાશે.

ડોગે પર્સ શોધ્યું અને મૃતક મહિલાની ઓળખ થઇ

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે ખેતરમાં ઘાસની ઓરડીમાં આગ બાદ અંદરથી એક મહિલાની લાશ મળી હતી. આ અજાણી મહિલાની ઓળખ માટે પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. પોલીસે ખેતરમાં જ એક પર્સ શોધી કાઢ્યું હતું જેમાં મહિલાનું આધારકાર્ડ મળતા તેની ઓળખ થઇ હતી. આ પર્સની સાથે મહિલાન ચશ્મા અને ચંપલ પણ મળ્યા હતાં તેમજ નજીકના ખાટલા પર લોહીંના નિશાન મળતા પોલીસે ફોરેન્સિકની મદદ લીધી છે.