Baroda

'બોસ સ્કેમ' રૃા.૫૦ લાખના સાયબર ફ્રોડમાં યુપીના કાનપુરથી એક ભેજાબાજ ઝડપાયો

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ડભાસા ગામની કંપનીના ડિરેક્ટરના પ્રોફાઇલ પિક્ચરનો ઉપયોગ કરી, એકાઉન્ટન્ટ પાસેથી ₹50 લાખની ઠગાઈ થઈ હતી. આ કેસમાં આસામના ડિરેક્ટર બાદ હવે યુપીના કાનપુરથી B.Tech ભણેલા 28 વર્ષના અખિલેશ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તે મ્યૂલ એકાઉન્ટ શોધવામાં મદદ કરતો હતો. પોલીસે તેને 6 દિવસના રિમાન્ડ પર લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બોસ સ્કેમ' રૃા.૫૦ લાખના સાયબર ફ્રોડમાં યુપીના કાનપુરથી એક ભેજાબાજ ઝડપાયો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલી કંપનીના ડિરેક્ટરના પ્રોફાઇલ પિક્ચર સાથે વોટ્સએપ પર મેસેજ કરી કંપનીના એકાઉન્ટન્ટ પાસે રૃા.૫૦ લાખની ઠગાઇના કેસમાં આસામની એક કંપનીના ડિરેક્ટરની ધરપકડ બાદ યુપીના કાનપુરના બીટેકનો અભ્યાસ કરેલ એક યુવાનની ધરપકડ કરાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભાસા ગામે આવેલી સુપરટેક ફેબ્રિક પ્રા.લી. કંપનીના સિનિયર એકાઉન્ટન્ટ હિનલ પટેલના મોબાઇલ પર કંપનીના ડિરેક્ટર ઉત્સવ રાજીવ ગુપ્તાના પ્રોફાઇલવાળા અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો અને રૃા.૫૦ લાખની માંગણી કરતા એકાઉન્ટન્ટે તાત્કાલિક કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી રૃા.૫૦ લાખ આસામની કંપની નામી અહેન ઔષધિયા પ્રા.લી.ના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતાં.
બોસના નામે થતા સાયબર ક્રાઇમના કિસ્સા બાદ વડોદરા જિલ્લાના સાયબર ક્રાઇમે આસામથી કંપનીના એકાઉન્ટમાં રકમ જમા થઇ હતી તે કંપનીના ડિરેક્ટર બોની મેઇટેઇ નોંત્રથોમ્બમ (રહે.આશિયાના રેસિડેન્સયલ, ચંદનનગર, ગૌહાટી, જિલ્લો કામરુપમેટ્રો, આસામ)ને તેના ઘરમાંથી ઝડપી પાડયો હતો. તેની પૂછપરછમાં તેને બેંક એકાઉન્ટ યુપીના કાનપુરના બટરા ખાતે રહેતા અખિલેશસિંહ શ્મામસિંગ રાજાવતના કહેવાથી ભાડે આપ્યું હોવાની કબૂલાત કરી હતી.
દરમિયાન પોલીસની એક ટીમ કાનપુર પહોંચી હતી અને અખિલેશસિંગને ઝડપી પાડયો હતો. બીટેક સુધીનો અભ્યાસ કરેલ ૨૮ વર્ષનો અખિલેશસિંગ ભાડેથી એક ઓરડીમાં આખો દિવસ રહેતો હતો અને મ્યૂલ એકાઉન્ટ શોધવાનું કામ કરતો હતો. એકાઉન્ટ શોધ્યા બાદ તે કૌભાંડીઓના મુખ્ય આરોપીઓને વિગતો મોકલતો હતો. પોલીસે તેને પાદરા કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

કાનપુર નજીક સચેડી ગામના ૮૦ ટકા લોકોનું કામ મ્યૂલ એકાઉન્ટ શોધવાનું

સાયબર ફ્રોડ કરનારા કૌભાંડીઓ માટે મ્યૂલ એકાઉન્ટ શોધવાના કામ માટે ઉત્તર પ્રદેશના કેટલાંક ગામો કુખ્યાત છે જેમાં કાનપુર પાસે આવેલ સચેડી ગામના ૮૦ ટકા યુવાનો સાયબર ફ્રોડના ગુના માટે મ્યૂલ એકાઉન્ટો શોધવાનું કામ કરતા હોવાનું ગુજરાત પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અખિલેશનો ભાઇ આર્મીમાં તેમજ પિતા નિવૃત્ત પોલીસ કર્મચારી

અડધા કરોડના સાયબર ફ્રોડની પોલીસ તપાસનો દોર આસામથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તર્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશથી અખિલેશસિંહની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતાં તેનો ભાઇ આર્મીમાં ફરજ બજાવે છે જ્યારે તેના પિતા નિવૃત્ત પોલીસ કર્મચારી છે, માતા ઘરકામ કરે છે.

રૃા.૫૦ લાખ સામે માત્ર રૃા.૧૮ લાખ જ બ્લોક થઇ શક્યા

પાદરા તાલુકાની કંપની સાથે રૃા.૫૦ લાખની સાયબર છેતરપિંડીની જાણ થતાં જ ડિરેક્ટરે તાત્કાલિક ૧૯૩૦ પર ફરિયાદ આપતા રૃા.૫૦ લાખ પૈકી માત્ર રૃા.૧૮ લાખ બ્લોક થઇ શક્યા છે જ્યારે અન્ય રકમ કૌભાંડીઓના અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી દઇ ઉપાડી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.