જિલ્લામાં દારૃની પેટીઓ ઉતારીને બૂટલેગર બાકીનો દારૃ શહેરમાં લાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એસ.એમ.સી.એ ખોડિયારનગર વિસ્તારમાંથી ૮૪ લાખનો દારૃ કબજે કર્યો હતો. દારૃનો જથ્થો આરોપીઓ સંતાડવા માટે અહીંયા આવ્યા હતા. તે અગાઉ જિલ્લામાં અન્ય સ્થળે દારૃનું કટિંગ કરીને ગાડી વડોદરામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. જે અંગે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના લઠ્ઠાકાંડ પછી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી થતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ - અલગ ટીમ બનાવી રાજ્યભરમાં તપાસ શરૃ કરાઇ હતી. એક ટીમ વડોદરા શહેર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. શહેર નજીક ધનિયાવી ચોકડી પાસે આવતા ટીમને બાતમીદાર થકી માહિતી મળી હતી કે,ખોડિયારનગર સફેદ વુડાના મકાન પાછળ આવેલા નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં લિસ્ટેડ બૂટલેગર નિલુ સિન્ધી માણસો દ્વારા દારૃનું કટિંગ કરાવે છે અને હાલમાં કટિંગ ચાલી રહ્યું છે. જેથી, ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી ત્યારે નિલકંઠ ફ્લેટના બી ટાવર નીચે પાર્કિંગમાં કેટલાક લોકો બંધ બોડીના પીકઅપ ડાલા તથા સુપર કેરી ટેમ્પામાંથી બોક્સ નીચે ઉતારી ટાવરની દીવાલ પાસે તથા ટાવરની સીડી નીચે ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા.પોલીસને જોઇને નાસભાગ થઇ જતા આરોપીઓ ફ્લેટની દીવાલ કૂદીને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી દારૃની ૧૬,૩૯૪ બોટલ કિંમત રૃપિયા ૮૪.૦૧ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ તથા વાહનો મળીને કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા પછી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.એસ. ગોહિલે આ કેસમાં કબજે લીધેલા વાહનોના માલિક અને કબજેદારની વિગતો તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૃ કરી છે.









