Baroda

વડોદરામાં સીટી બસના ટાયરમાં બાઈક ચાલક કચડાયો : ડ્રાઈવરે મોબાઈલનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વુડા સર્કલ પાસે સિટી બસની અડફેટે બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘવાયો. બસના પાછળના ટાયરમાં કચડાતાં યુવકનો પગ ચગદાઈ ગયો હતો. અકસ્માત બાદ મુસાફરોએ ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો હોવાનો આક્ષેપ કર્યો. પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરમાં ભારદારી વાહનોના બેફામ સંચાલન સામે કડક નીતિની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સીટી બસના ટાયરમાં બાઈક ચાલક કચડાયો : ડ્રાઈવરે મોબાઈલનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

Vadodara : વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સીટી બસની અડફેટે બાઈક સવાર યુવક આવી જતા તે બસના પાછળના ટાયરમાં કચડાઈ ગયો હતો. અકસ્માતમાં યુવકનો એક પગ ચગદાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતાં બાઈક સવારના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકની હાલત જોઈ ભારે આક્રંદ કર્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન સામાજિક કાર્યકરો પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
અકસ્મત બાદ બસમાં સવાર કેટલાક મુસાફરોએ ડ્રાઈવર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. મુસાફરોના જણાવ્યા મુજબ, બસ ચાલતી હતી ત્યારે ડ્રાઈવર ગીતો વગાડી રહ્યો હતો તેમજ મોબાઈલ ફોન પર સતત વાતચીત કરી રહ્યો હતો. જોકે, ડ્રાઈવરે પોતે મોબાઈલ ફોન પર વાત ન કરતો હોવાનો બચાવ કર્યો હતો.
આ મુદ્દે સામાજિક કાર્યકરે ડ્રાઈવરનો ઉધડો લીધો હતો અને ચાલુ બસે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો મુસાફરો તથા અન્ય વાહનચાલકોની સુરક્ષા માટે જોખમી હોવાનું કહી ઝાટકણી કાઢી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.
ભારદારી વાહનો સામે નક્કર નીતિ ક્યારે ?
શહેરમાં ભારદારી વાહનોના બેફામ સંચાલનને કારણે નાગરિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાની સ્થિતિ છે. ડમ્પર, સીટી બસ સહિતના ભારદારી વાહનોની અડફેટે અવારનવાર નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થામાં આયોજનનો અભાવ પણ સામે આવી રહ્યો છે.
શહેરમાં ભારદારી વાહનો માટે ચોક્કસ નીતિ-નિયમો ઘડી તેનો કડક અમલ કરાવવો જરૂરી બન્યો છે. પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરના માર્ગો પર ભારદારી વાહનો દોડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે અકસ્માતો બાદ માત્ર કાર્યવાહી કરવાને બદલે અગાઉથી જ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની માગ ઉઠી છે.
રસ્તા પર ટ્રાફિક પોલીસ ક્યાં?
શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ટ્રાફિક પોલીસની હાજરી નજરે ચડતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિણામે વાહનચાલકો બેફામ બની રોંગ સાઈડમાં વાહનો દોડાવી રહ્યા છે, જ્યારે રસ્તાઓ પર આડેધડ પાર્કિંગની સમસ્યા પણ યથાવત છે.
ખાસ કરીને લારી-ગલ્લા અને દુકાનોની બહાર થતા બેફામ પાર્કિંગને કારણે રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની ચર્ચા છે.
તાજેતરમાં તાંદળજા વિસ્તારમાં યુવતીના અકસ્માતમાં મોત બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે કોઈ ગંભીર ઘટના બને ત્યારે જ તંત્ર જાગે છે અને કાર્યવાહી કરે છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.