બિચ્છૂ ગેંગનો નાસતો ફરતો આરોપી તનવીર ઉર્ફે તન્નુ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: કર્ણાટકના વેપારીને માર્કેટ કરતાં સસ્તું સોનું અપાવવા તેમજ સોના માટે 10 કરોડની લોન અપાવવાના નામે 4.92 કરોડની ઠગાઇ વડોદરાની ટોળકી દ્વારા કરવામાં આવી હતી. જે ગુનામાં સામેલ અને નાસતા ફરતા બિચ્છૂ ગેંગના સાગરીતને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તાંદલજાના રાજવીર ઉર્ફે ઇલ્યાસ મહંમદ સિરાજખાન અજમેરી તથા અન્ય આરોપીઓએ કાવતરું રચીને કર્ણાટકના આરાપનાઅલી ગામે રહેતા અને ઇ-કોમર્સ બિઝનેસ કરતા મંજુ આર. રવિને સસ્તામાં સોનુ આપવાનું તથા 10 કરોડની લોન આપવાનું કહી 4.92 કરોડ રૂપિયા ડૂપ્લિકેટ પોલીસને ઊભી કરી પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નવેમ્બર -2025માં ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન આ ગુનામાં બિચ્છૂ ગેંગના સાગરીત તનવીર ઉર્ફે તન્નુની સંડોવણી બહાર આવી હતી. જેથી, પોલીસ તેને શોધી રહી હતી.ઉલ્લેખનીય છે કે, બિચ્છૂ ગેંગના સાગરીત તન્નુ સામે ગુજસીટોકનો ગુનો વર્ષ -2021માં દાખલ થયો હતો. જેમાં તેની ધરપકડ થઇ હતી.
જામીન પર છૂટયા પછી કેસની ટ્રાયલ દરમિયાન તન્નુ હાજર રહેતો નહતો. જેથી, તેને નાસતો ફરતો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તેની સામે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. આરોપીએ જામીન પર છૂટયા પછી પણ ગુનાખોરી ચાલુ રાખતા તપાસ અધિકારી દ્વારા આરોપીના જામીન રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ હતી. હાઇકોર્ટે આરોપીના જામીન રદ્દ કરતા તન્નુ નાસતો ફરતો હતો.
દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, આરોપી હાલમાં ચાંપાનેર ભોઇવાડા રોડ સરકારી સ્કૂલની સામેની ગલીમાં અશરફના ડેલા ખાતે એક બિલ્ડિંગના ત્રીજા માળે આશ્રય લઇ રહ્યો છે. જેથી,પોલીસની ટીમે તરત જ સ્થળ પર જઇ તેને ઝડપી લીધો હતો.









