સમાજ વિષે વિચારતા પહેલા દીકરીઓના સપના પૂરા કરવા જોઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની યુવા પાવરલિફ્ટર ૧૮ વર્ષની અસમા ઝાબુઆવાલાએ સાઉથ આફ્રિકાના સન સિટિમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવી આજે પોતાના વતન વડોદરા પરત ફરતાં રેલવે સ્ટેશન ખાતે અસમાનું પરિવારજનો, સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
અસ્માએ કહ્યું કે જીમમાં જોડાયા બાદ શરૃઆતમાં ડેડલિફ્ટની પ્રેક્ટિસ દરમિયાન ૧૦૦ કિલો વજન ઉઠાવતાં તેને પાવરલિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી. એણે માતા-પિતાને ચાર ગોલ્ડ મેડલ જીતવાનું આશ્વાસન આપ્યું હતું અને તે પૂર્ણ કર્યું છે. હવે આવતા વર્ષે પ્રથમ ક્રમ મેળવી ભારત માટે ગોલ્ડ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
વધુમાં ઉમેર્યું કે સાઉથ આફ્રિકામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત તેના પિતા તેની સાથે ન હોવાથી આ પ્રવાસ તેના માટે થોડો મુશ્કેલ રહ્યો હતો. જોકે, વિવિધ દેશોના એથલેટ્સને મળીને અને તેમની સાથે વાતચીત કરીને ઘણું શીખવા મળ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળતાં તેને અત્યંત આનંદની લાગણી થઈ રહી છે.
તાજેતરમાં ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ૮૭ ટકા ગુણ મેળવનારી અસમા માટે અભ્યાસ અને રમત બંને ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ડિસિપ્લિન મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે. આ સમગ્ર સફરમાં માતા-પિતા, ભાઈ અને બહેન સહિત પરિવારના સભ્યોનો ખૂબ સહયોગ મળ્યો હોવાનું પણ એણે જણાવ્યું છે.
એમણે કહ્યું કે કોઈપણ બાબતમાં કોમ્પ્રોમાઇઝ ન કરવો જોઈએ અને એવી કોઈ બાબત નથી જે દીકરી કરી ન શકે. વાલીઓએ સમાજ શું વિચારશે તેના કરતાં પહેલાં પોતાની દીકરી વિશે વિચારવું જોઈએ અને તેની ઈચ્છા તથા સપનાને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ.




