ગોધરામાં ગૌવંશના કેસમાં મહિલા આરોપીના જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અત્રેની સ્પેશ્યલ જજ (ગુજસીટોક)ની કોર્ટમાં રજૂ થયેલી તાહેરા ઇલ્યાસ મોહમ્મદ ઉર્ફે ભોણીબેન (રહે.ગેની પ્લોટ,ગોધરા)ની નિયમિત જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં આરોપી હાલ જ્યુડિ. કસ્ટડી હેઠળ જેલમાં છે.
જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડયાની દલીલો હતી કે અરજદાર /આરોપીની સામે કુલ ૧૦ ગુના નોંધાયા છે. તપાસમાં અરજદારની સંડોવણી બહાર આવી છે અને તેની સામે પ્રથમદર્શનીય રીતે ગુનો બનતો હોવાનું જણાય છે. ટોળકીએ કુલ ૧૦૦ ગુના આચર્યા છે.
ન્યાયાધીશે નોંધ્યું કે અરજદાર /આરોપી વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ સુધી ફરાર હતી. આ સંજોગોને જોતા આરોપી તપાસ દરમિયાન હાજર નહીં રહે તેવી શંકા નકારી શકાય તેમ નથી. આરોપીનો ભૂતકાળ અને કેસના સંજોગોને ધ્યાનમાં લેતાં જામીન અરજી મંજૂર કરવી ન્યાયોચિત જણાતી ન હોવાનું જણાવી કોર્ટે અરજી નામંજૂર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન પંચમહાલ, મહીસાગર, અમદાવાદ અને ભરૃચ જિલ્લામાં આરોપીઓએ ગૌવંશની ચોરી અને કતલની પ્રવૃત્તિઓ માટે મંડળી બનાવી હતી. જીવલેણ હથિયારો સાથે જાહેર સેવકને કાયદેસરની ફરજ બજાવતા અટકાવવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાઓ પહોંચાડવાનો પણ આરોપ છે.
આ ઉપરાંત સરકારી /ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી આતંકવાદી કૃત્યો આચરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે સંગઠિત ગુનાઓ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.




