તાંદળજામાં અકસ્માત બાદ તંત્ર જાગ્યું : લોકો સાથે ઘર્ષણ ; 8 દુકાનોના શેડ તોડ્યા, 5 ટ્રક સામાન જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં કિસ્મત ચોકડી ખાતે તાજેતરમાં રોલરની અડફેટે યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજવાની ઘટના બાદ આખરે કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. કિસ્મત ચોકડી નજીક મુખ્ય માર્ગ સુધી કરવામાં આવેલા દબાણો સામે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કિસ્મત ચોકડી પાસે દુકાનો, કેબીનો અને શેડ ઉભા કરીને રસ્તા તરફ 10થી 15 ફૂટ જેટલા ઓટલા બનાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત હંગામી દુકાનોની આગળ કેબીનો અને કાઉન્ટરો ઉભા કરાતા માર્ગ સાંકડો બની ગયો હતો. અહીં આવતા ગ્રાહકો દ્વારા મુખ્ય માર્ગ પર જ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે પાંચ JCB મશીન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન સાતથી આઠ હંગામી દુકાનોના શેડ અને ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ દુકાનોની આગળ ઉભા કરાયેલા કેબીનો અને કાઉન્ટરો સહિતનો સામાન કબજે લેવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન પાંચ ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે રકઝક પણ થઈ હતી. વેપારીઓએ દાવો કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા ખાનગી પ્લોટમાં કરવામાં આવેલા દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રોડલાઈનમાં નડતરરૂપ દબાણો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોર્પોરેશનની આ કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની, TDO વિભાગ તેમજ વિવિધ વોર્ડ વિભાગોની ટીમો અને અન્ય સ્ટાફ પણ કામગીરીમાં જોડાયો હતો.









