જ્ઞાન સહાયકોની નિમણૂંક, સૌથી વધારે અંગ્રેજી વિષયના શિક્ષકોની જગ્યાઓ ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ડેટ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાાન સહાયકોની નિમણૂંકનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે.પહેલા તબક્કામાં ત્રણ રાઉન્ડ યોજાયા હતા અને તેના અંતે ૨૫૩ જેટલી જગ્યાઓ ખાલી રહી છે અને ૧૮૦ ઉમેદવારોએ ઓર્ડર અપાયા બાદ નિમણૂક સ્વીકારી છે.
પહેલા તબક્કામાં ટેટ પ્રિલિમ અને ટેટ ફાઈનલ એમ બંને પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તક આપવામાં આવી હતી.આ તબક્કામાં ત્રણ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા.જોકે આ ત્રણ રાઉન્ડના અંતે સંખ્યાબંધ વિષયોમાં ઉમેદવારો મળ્યા નથી અને તેમાં સૌથી વધારે સંખ્યા અંગ્રેજી વિષય માટે ખાલી રહી છે.આ વિષય માટે માધ્યમિક સ્કૂલોમાં ૬૭માંથી ૩૭ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૩૫માંથી ૨૯ જગ્યાઓ ખાલી રહી છે.ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે, કુલ મળીને ૨૫૩ જગ્યાઓ ખાલી રહી છે અને તેના માટે નિમણૂકનો બીજો તબક્કો પાંચ ઓગસ્ટથી શરુ થશે.જેમાં અગાઉ લેવાતી ટેટની એક જ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારને બોલાવવામાં આવશે.આ તબક્કામાં પણ જરુર પડે તો ત્રણ રાઉન્ડ યોજવામાં આવશે.જોકે ખાલી જગ્યાઓ પહેલા જ રાઉન્ડમાં ભરાઈ જાય તેવી શક્યતા છે.
કયા વિષયોમાં નોંધપાત્ર જગ્યાઓ ખાલી
માધ્યમિક
અંગ્રેજી ૩૭
ગણિત ૧૪
ઉચ્ચતર માધ્યમિક
બીઓ અને એકાઉન્ટ ૩૦
અંગ્રેજી ૨૯
ઈકોનોમિક્સ ૧૪
સાયકોલોજી ૧૩
બાયોલોજી, ફિઝિક્સ અને મેથ્સ ૨૦




