વડોદરામાં ઇમરજન્સી સેવાઓ મોડી મળતી હોવાનો વધુ એક કિસ્સો,બાજવાના મકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઇમરજન્સી સેવાઓ મળવામાં વિલંબ થતો હોવાના કિસ્સા બનતા હોવાના ઘણા કિસ્સા બહાર આવતા હોય છે.બાજવા ગામે આજે સવારે એક મકાનમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ મોડી આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
બાજવાની યોગેશ્વર સોસાયટીમાં રહેતું પરિવાર સવારે દવાખાને ગયું હતું ત્યારે મકાનમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી.આગને કારણે ઘરવખરી ખાક થઇ ગઇ હતી.લોકો આગ બૂઝાવવા માટે ઝઝૂમ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડ મોડી આવતાં નુકસાન વધુ થયું હતું.ફાયર બ્રિગેડે બે સિલિન્ડર બહાર કાઢતાં મોટું નુકસાન થતું અટક્યું હતું.
નોંધનીય છે કે,બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારની કેનાલમાંથી માતા અને તેને બાંધેલી હાલતમાં પુત્રી કેનાલમાંથી મળી આવતાં યુવકોએ જાનની બાજી લગાવી બંનેને જીવતા બહાર કાઢ્યા હતા,પરંતુ એમ્બ્યુલન્સ મોડી આવતાં બંનેએ જીવ ગૂમાવ્યો હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.
મહિલાનો આક્ષેપ,દસ વાગ્યાનો બનાવ અને ફાયર બ્રિગેડ એક વાગ્યે આવી
યોગેશ્વર સોસાયટીની મકાનમાં રહેતી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે અમારે ત્યાં આગ લાગવાનો બનાવ સવારે દસ વાગ્યે બન્યો હતો.પરંતુ ફાયર બ્રિગેડ બપોરે એક વાગ્યે આવી હતી.જ્યારે એસીપી આરડી કવાએ કહ્યું હતું કે,૧૧૨ને કોલ મળતાં થોડી જ વારમાં ફાયર બ્રિગેડ આવી હતી.પરંતુ સાંકડી ગલી હોવાથી થોડી મુશ્કેલી પડી હતી.




