Baroda

યુનિ.હોસ્ટેલમાં બોક્સ ક્રિકેટ સહિતની રમતો માટે ઓપન સ્પોર્ટસ ઝોન બનાવાશે

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. હોસ્ટેલ સત્તાધીશોએ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં ઓપન સ્પોર્ટ્સ ઝોન વિકસાવવાનો નિર્ણય લીધો છે. જેમાં બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોની સુવિધા મળશે. આ ઉપરાંત, ગર્લ્સ હોસ્ટેલમાં 4 નવા સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન પણ મુકાશે. રેગિંગ રોકવા કાઉન્સિલિંગ સેશન પણ યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.હોસ્ટેલમાં બોક્સ ક્રિકેટ સહિતની રમતો માટે ઓપન સ્પોર્ટસ ઝોન બનાવાશે

એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં હવે વિદ્યાર્થીઓને બોક્સ ક્રિકેટ સહિતની રમતો રમવા માટેની સુવિધા મળશે.હોસ્ટેલ સત્તાધીશોએ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં ઓપન સ્પોર્ટસ ઝોન વિકસાવવાનો નિર્ણય લીધો છે.યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન વિભાગ સાથે મળીને આગામી દિવસોમાં તેના પર કામ શરુ કરાશે.
યુનિવર્સિટી હોસ્ટેલના ચીફ વોર્ડન ડો.વિજય પરમારે કહ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલમાં એસ ડી હોલ અને એચ એમ હોલ વચ્ચે બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ રમવા માટેના કોર્ટ ડેવલપ કરાશે.આ માટે માટી પૂરાણ કરીને જગ્યાને સમથળ બનાવવાનું શરુ કરી દેવાયું છે.જ્યારે બોયઝ હોસ્ટેલમાં કે એમ હોલ પાસે બાસ્કેટબોલ અને બેડમિન્ટન કોર્ટ બનશે અને એસ પી હોલની મેસ પાસેની જગ્યામાં બોક્સ ક્રિકેટ રમવાની સુવિધા ઉભી કરાશે.વિદ્યાર્થીઓએ જોકે તેનો લાભ લેવા માટે બૂકિંગ કરાવવું પડશે.સાથે- સાથે તમામ ૧૬ હોલમાં નવેસરથી બગીચાઓ બનાવવામાં આવશે.ગાર્ડનની જાળવણી માટે હોસ્ટેલ પાસે કર્મચારીઓ છે અને જરુર પડે તો કામગીરીનું આઉટસોર્સિંગ પણ કરવામાં આવશે.
ગર્લ્સ હોસ્ટેલમાં સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન મૂકાશે
ગર્લ્સ હોસ્ટેલના ચાર હોલમાં વિદ્યાર્થિનીઓ માટે સેનેટરી નેપકિનના વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવશે.આ પહેલા જે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા હતા તે બગડી ગયા હતા.ચાર વર્ષ બાદ હવે દાતાની મદદથી નવા વેન્ડિંગ મશીન મૂકવાનું આયોજન કરાયું છે.જેના પર ક્યૂઆર કોડની સુવિધા હશે.વિદ્યાર્થિનીઓ ઓનલાઈન પેમેન્ટ કરીને મશીનમાંથી નેપકિન ખરીદી શકશે.

દરેક હોલમાં વોર્ડનને જવાબદારી સોંપાઈ
રેગિંગ ના થાય તે માટે હોસ્ટેલમાં કાઉન્સિલિંગ સેશન યોજાશે
હોસ્ટેલમાં હાલમાં પ્રવેશની કાર્યવાહી છેલ્લા તબક્કામાં છે. લગભગ ૮૦ ટકા બેઠકો પર એડમિશન આપી દેવાયા છે.નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનું રેગિંગ ના થાય તે માટે પણ સત્તાધીશોએ કવાયત હાથ ધરી છે.
જેના ભાગરુપે દરેક હોલમાં વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ સેશન યોજાશે.વોર્ડન દ્વારા વિદ્યાર્થીઓને હોસ્ટેલ અંગે જાણકારી આપવાની સાથે સાથે નશીલા પદાર્થોથી દૂર રહેવાની, મિત્રતા કેળવવાની અને હોસ્ટેલના નીતિ નિયમોનું પાલન કરવાની સમજ અપાશે.ખાસ કરીને રેગિંગ એક ગંભીર અપરાધ છે અને તેમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓની હકાલપટ્ટી તથા જરુર પડે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે તેવી સમજ પણ અપાશે.