એક જ ચલણ નંબરથી અક્ષર ગ્રીન સ્કીમને બે ફાયર NOC અપાઈ હોવાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્નિશમન વિભાગની કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. અટલાદરા વિસ્તારમાં આવેલા અક્ષર ગ્રીનના બે ટાવરની અગ્નિશમન અનાપત્તિ પ્રમાણપત્ર બાબતે વિવાદ સામે આવ્યો છે. બંને ટાવર માટે આપવામાં આવેલા પ્રમાણપત્રનો ચલણ નંબર એક જ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર મામલાની તપાસની માગ ઉઠી છે.
અટલાદરા અક્ષર ગ્રીનના એક ટાવર માટે એક વર્ષની મુદતનું જ્યારે બીજા ટાવર માટે ત્રણ વર્ષની મુદતનું અગ્નિશમન અનાપત્તિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે અલગ-અલગ પ્રમાણપત્ર માટે અલગ ચલણ નંબર હોવા જોઈએ, ત્યારે બંને પ્રમાણપત્રમાં એક જ ચલણ નંબર કેવી રીતે આવ્યો તે અંગે સવાલો ઉઠ્યા છે.
આ ઉપરાંત, પ્રમાણપત્ર પર કરવામાં આવેલી સહીને લઈને પણ વિવાદ સર્જાયો છે. જેના કારણે પ્રમાણપત્રની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવાની માગ ઉઠી છે. મહત્વનું છે કે ગયા વર્ષે મહાવીર ચાર રસ્તા પાસે આવેલા અર્શ પ્લાઝા અને હરણી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં પણ બોગસ અગ્નિશમન અનાપત્તિ પ્રમાણપત્ર મળી આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. તે સમયે પોલીસ તપાસમાં જયેશ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. જોકે, અરજી અને ફરિયાદ બાદ પણ આ મામલે અત્યાર સુધી નક્કર પરિણામ સામે ન આવતાં તપાસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઓક્ટોબર 2024થી જાન્યુઆરી 2025 દરમિયાન માત્ર ચાર મહિનાના એટલે કે આશરે 120 દિવસના સમયગાળામાં 350થી વધુ અગ્નિશમન અનાપત્તિ પ્રમાણપત્રો ફાળવવામાં આવ્યા છે. આટલા ટૂંકા સમયગાળામાં આપવામાં આવેલી તમામ એનઓસીની પ્રક્રિયા, સ્થળ તપાસ, સહી અને ચલણ નંબરની પણ ચકાસણી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
બોગસ કે શંકાસ્પદ અગ્નિશમન અનાપત્તિ પ્રમાણપત્રોના કારણે ઇમારતોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સુરતની તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સહિતના બનાવોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે અગ્નિશમન અનાપત્તિ પ્રમાણપત્રની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ હોય તો તેની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.




