Baroda

સભા મુલતવી રાખી પ્રજાના પ્રશ્નો ટલ્લે ચઢાવાનો આક્ષેપ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્વ સભાસદના નિધનને પગલે શોક ઠરાવ બાદ 13 ઓગસ્ટ સુધી મુલતવી રખાતા વિવાદ સર્જાયો છે. વિપક્ષે પ્રજાના પ્રશ્નો ટાળવા પ્રણાલીનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો. ચોમાસામાં રસ્તા, ખાડા, પાણીના પ્રશ્નો ગંભીર બન્યા છે, ત્યારે સભા મુલતવી રહેતા લોકોના પ્રશ્નો અધ્ધરતાલ રહ્યા. કોંગ્રેસના કાઉન્સિલરે તેમના મૃત્યુ બાદ સભા મુલતવી ન રાખવા અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

સભા મુલતવી રાખી પ્રજાના પ્રશ્નો ટલ્લે ચઢાવાનો આક્ષેપ

મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ ફરી એકવાર મુલતવી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. પૂર્વ સભાસદના નિધનના પગલે શોક વ્યક્ત કર્યા બાદ સભા ૧૩ ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વિપક્ષે આ નિર્ણય સામે સવાલ ઉઠાવી વિપક્ષનો અવાજ દબાવવા તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને ટાળવા માટે પ્રણાલીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

વિપક્ષના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસાની તુ ચાલી રહી છે અને શહેરમાં રસ્તા, ખાડા, પાણી સહિતના અનેક પ્રશ્નો ગંભીર બન્યા છે. આવા સમયે સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી તેનું નિરાકરણ લાવવા માટે તંત્રને સક્રિય કરવું જરૃરી છે, પરંતુ સભા મુલતવી રાખવામાં આવતા મહત્ત્વના પ્રશ્નો ફરી ટલ્લે ચઢયા છે.

વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે પૂર્વ સભાસદના નિધનને પગલે શ્રદ્ધાંજલિ આપીને સભાની કાર્યવાહી આગળ વધારી શકાતી હતી  અથવા તો આજે બે સભા મળવાની હતી તો એક સભા શોક માટે મુલતવી રાખીને બીજી સભા યોજી શકાઈ હોત, પરંતુ સમગ્ર સભા મુલતવી રાખવાથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા અટકાવી દેવાઈ હોવાનું ફલિત થઈ રહ્યું છે.

અમારું મૃત્યુ થાય તો સભા મુલતવી રાખશો નહીં

કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અને તેમના પૂર્વ કાઉન્સિલર પતિએ મેયરને લેખિત રજૂઆત કરી અનોખી સ્વૈચ્છિક જાહેરાત કરી છે. એમણે જણાવ્યું છે કે ભવિષ્યમાં અમે જીવિત ન રહીએ ત્યારે અમારા નિધનના પગલે કોઈપણ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવે નહીં એવી અમારી લાગણી છે. પ્રજાના પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે સામાન્ય સભાની કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી એમની રજૂઆત છે.