Baroda

કમાટીબાગની હરિયાળી વચ્ચે ‘કોંક્રીટનું જંગલ’ ઊભું કરવાના આક્ષેપ : મોર્નિંગ વોકર્સનો વિરોધ

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં કુદરતી હરિયાળી દૂર કરી કોંક્રીટ-લોખંડના માળખાં બનાવાતા મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ નોંધાવાયો છે. નરેન્દ્ર રાવત અને અમી રાવતે આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમની માંગ છે કે કમાટીબાગની ઓળખ લોન, વૃક્ષો અને કુદરતી વાતાવરણથી છે, અહીં સમર મેળા જેવા માળખાં બનાવી તેની સુંદરતા સાથે ચેડા ન કરવા જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

કમાટીબાગની હરિયાળી વચ્ચે ‘કોંક્રીટનું જંગલ’ ઊભું કરવાના આક્ષેપ : મોર્નિંગ વોકર્સનો વિરોધ

Vadodara News : વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં કુદરતી હરિયાળી અને ખુલ્લી જગ્યાઓને દૂર કરી લોખંડ તથા કોંક્રીટના માળખાં ઊભાં કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ સાથે મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કમાટીબાગ મોર્નિંગ વોકર્સ એસોસિએશનના નરેન્દ્ર રાવત અને અમી રાવતે આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.
તેમના જણાવ્યા મુજબ કમાટીબાગના એક વિસ્તારમાં અગાઉ લોકો માટે બેસવાની જગ્યા, લોન અને બાળકોને રમવા માટેની ખુલ્લી જગ્યા હતી. લોકો અહીં સવાર-સાંજ કસરત કરતા અને વૃક્ષો તથા હરિયાળી વચ્ચે સમય પસાર કરતા હતા. હવે આ જગ્યાએ કોંક્રીટનું માળખું ઊભું કરી તેના ઉપર લોખંડનું માળખું બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે બેસવા અને બાળકોને રમવા માટેની ખુલ્લી જગ્યા ઘટી જશે.
મોર્નિંગ વોકર્સે આક્ષેપ કર્યો હતો કે કમાટીબાગની ઓળખ લોન, વૃક્ષો, ફળ-ફૂલો અને કુદરતી વાતાવરણથી છે. અહીં સમર મેળા જેવા લોખંડના માળખાં કે અન્ય આકર્ષણો ઊભાં કરીને બાગની કુદરતી સુંદરતા સાથે ચેડા કરવા જોઈએ નહીં. આવી પ્રવૃત્તિઓ માટે શહેરમાં અન્ય જગ્યાઓ ઉપલબ્ધ છે.
મોર્નિંગ વોકર્સનું કહેવું છે કે કમાટીબાગમાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવામાં આવે તે અંગે ભૂતકાળમાં પણ રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં સોલાર માટેના માળખાં ઊભાં કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ તેના માટે કમાટીબાગની હરિયાળી અને ખુલ્લી જગ્યા પસંદ કરવાની જરૂર નથી.
એસોસિએશનના સભ્યોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં કોર્પોરેશનની અનેક ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ છે, જ્યાં સોલાર સહિતની આવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. કમાટીબાગ જેવી હરિયાળી જગ્યા પર કોંક્રીટ અને લોખંડના માળખાં ઊભાં કરવાને બદલે તેની કુદરતી સુંદરતા જાળવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.