Baroda

તમામ સ્કૂલોને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવીને રિપોર્ટ આપવા આદેશ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના નિઝામપુરાની ન્યુએરા સ્કૂલમાં ધો.11ના વિદ્યાર્થી દેવ શાહનું ફૂટબોલ રમતી વખતે કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. ડીઈઓ કચેરીએ તમામ શાળાઓને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ કરાવી પ્રમાણપત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો છે. MGVCLની પ્રાથમિક તપાસમાં સ્કૂલના જર્જરિત વાયરિંગમાં ફોલ્ટ હોવાનું બહાર આવ્યું છે. બેદરકારી બદલ સ્કૂલ સામે કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમામ સ્કૂલોને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવીને રિપોર્ટ આપવા આદેશ

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુએરા સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થી દેવ શાહનું ફૂટબોલ રમતી વખતે કરંટ લાગવાથી મોત બાદ હવે તંત્ર સફાળુ જાગ્યું છે.ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરવા માટે અને તેના સર્ટિફિકેટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૧૫ ઓગસ્ટના દિવસે સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતી વખતે બોલ શેડ પર પડયો હતો.દેવ શાહ ફલડ લાઈટના થાંભલા પર ચઢીને બોલ ઉતારવા ગયો હતો.તે વખતે થાંભલા પર કરંટ લાગતા તેનું કરુણ મોત થયું હતું.આ ચકચારી ઘટનાએ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની સલામતી સામે સર્જેલા સવાલો વચ્ચે ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલમાં ડીઈઓની તપાસ ટીમને મોકલવામાં આવી છે.અત્યારના તબક્કે સ્કૂલની બેદરકારી છે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ છે પણ કચેરી દ્વારા એમજીવીસીએલ પાસે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો છે.દરમિયાન સ્કૂલોને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવીને રિપોર્ટ આપવા તાકીદ કરાયું છે.તેમણે કહ્યું હતું કે, સ્કૂલોને સલામતીના કયા પગલા લેવા તે માટે એક વર્ષમાં પાંચ-પાંચ વખત પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.જો આ મામલામાં સ્કૂલ સંચાલકોની બેદરકારી હશે તો નિશ્ચિતપણે કાર્યવાહી કરવામાં આવશે.

સ્કૂલનો વીજ સપ્લાય ફરી શરુ કરાયો
કરંટ લાગવાની ઘટના બાદ એમજીવીસીએલ દ્વારા સ્કૂલનું જોડાણ કાપી નાંખવામાં આવ્યું હતું.જોકે સ્કૂલમાં આજે રજા જાહેર કરાઈ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય એમ પણ નહોતું થયું પણ આવતીકાલે, મંગળવારે સ્કૂલ શરુ થાય તે પહેલા આજે સાંજે એમજીવીસીએલ દ્વારા સ્કૂલનો વીજ સપ્લાય ફરી ચાલુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એમજીવીસીએલની પ્રાથમિક તપાસ
વાયરિંગમાં ફોલ્ટના કારણે વિદ્યાર્થીને કરંટ લાગ્યો હોવાની શક્યતા
વડોદરા,સોમવાર
નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂએરા સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે ધો.૧૧ના વિદ્યાર્થી દેવ શાહનું કરંટ લાગવાથી થયેલા મોતની ઘટનામાં એમજીવીસીએલની પ્રાથમિક તપાસના ભાગરુપે થયેલા પંચનામામાં ઉલ્લેખ કરાયો છે કે, સ્કૂલના મેદાનની ચારે બાજુ પાર્કિંગ માટે પતરાનું ફેબ્રિકેશન છે અને આ ફેબ્રિકેશનમાં થઈને જે વાયરિંગ પસાર થાય છે તે જર્જરિત હાલતમાં છે તથા વાયરિંગ પરનું ઈન્સ્યુલેશન પણ કપાઈ ગયું છે.ન્યૂએરા સ્કૂલની ફરતે આવેલી સ્કૂલની ફેન્સિંગમાં પણ કરંટ લિક થયેલો હોય તેમ જોવા મળે છે.સ્કૂલની અંદરના વાયરિંગના ફોલ્ટના કારણે ઘટના બની હોય તેમ લાગે છે.