વડોદરામાં ઐતિહાસિક માંડવી દરવાજા બાદ હવે લહેરીપુરા દરવાજાની દુર્દશા : જાળવણીનો અભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના ઐતિહાસિક વારસાની ઓળખ ગણાતા ચાર દરવાજાની વચ્ચે આવેલા માંડવીની યોગ્ય રીતે જાળવણી નહીં થતાં આજે ઇમારતની દુર્દશા થઈ છે તેવી જ રીતે લહેરીપુરા ત્રણ દરવાજાની જાળવણીમાં બેદરકારી સામે આવી છે. દરવાજાની દિવાલો અને ઉપરના ભાગમાં વૃક્ષો તથા વનસ્પતિ ઊગી નીકળતાં સ્મારકના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું હોવાનું જોવા મળી રહ્યું છે. સમયસર સફાઈ અને જાળવણી નહીં કરવામાં આવે તો વૃક્ષોના મૂળના કારણે ઐતિહાસિક માળખામાં તિરાડો પડવા તેમજ પથ્થરો ઢીલા પડી સ્મારકને નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરના ચાર પ્રાચીન દરવાજાઓમાના એક એવા લહેરીપુરા દરવાજા પાસે દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. તેમ છતાં ઐતિહાસિક સ્મારકની નિયમિત જાળવણી અને સંરક્ષણ અંગે તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં પણ આ બાબતે ચિંતા જોવા મળી રહી છે.
આ મુદ્દે સામાજિક કાર્યકર ફારુક મેમણે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે દરવાજામાં ઊગી નીકળેલા વૃક્ષો અને વનસ્પતિને તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ સ્મારકનું નિષ્ણાતોની દેખરેખ હેઠળ નિરીક્ષણ કરાવી જરૂરી સમારકામ હાથ ધરવામાં આવે.
ફારુક મેમણે જણાવ્યું કે શહેરના ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવું તંત્રની જવાબદારી છે. જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્મારકને નુકસાન પહોંચવાની શક્યતા નકારી શકાય નહીં.









