વડોદરા: લોકાર્પણ પહેલાં જ MSUના ઐતિહાસિક ગુંબજનો રંગ કાળો પડયો, તપાસ ન થાય તો આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MSU Vadodara Dome: એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજના રિનોવેશનની કામગીરી પૂર્ણ થયાના દાવા વચ્ચે લોકાર્પણ પહેલાં જ મોટો વિવાદ સર્જાયો છે. વરસાદમાં જ ગુંબજનો રંગ ઉખડવા લાગતાં તેમજ તિરાડો દેખાતાં, NSUIએ આજે રિસ્ટોરેશનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કુલપતિ (VC) સમક્ષ તપાસની માંગણી કરી હતી.
વર્ષોથી અટવાયેલી કામગીરી અને કરોડો રૂપિયાનો ખર્ચ
ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક ગુંબજના રિસ્ટોરેશન માટે સૌપ્રથમ વર્ષ 2001માં 2.50 કરોડથી વધુના ખર્ચે કામગીરી શરૂ કરાઈ હતી, જે વર્ષ 2004-05માં બંધ પડી હતી. ત્યારબાદ વર્ષ 2016માં 2.30 કરોડના ખર્ચે ફરીથી રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. છેલ્લે વર્ષ 2023માં અંદાજે રૂ. 5.50 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાઈ હતી અને તાજેતરમાં તે પૂરી થતાં આ જ મહિનામાં ગુંબજના લોકાર્પણની તૈયારીઓ સત્તાધીશો દ્વારા શરૂ કરવામાં આવી હતી.
NSUIની કડક તપાસની માંગ અને આંદોલનની ચીમકી
જોકે, લોકાર્પણ પહેલાં જ રૂ. 5.50 કરોડની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની આશંકા સાથે NSUIના મહામંત્રીએ આજે કુલપતિને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાના કરોડો રૂપિયાના ખર્ચ છતાં જો આટલી તકલાદી કામગીરી થતી હોય તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. NSUIએ આ મામલે પારદર્શક તપાસની માંગ કરી છે અને બેદરકારી દાખવનાર તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.




