Baroda

29 વર્ષની કાનૂની લડત બાદ મૃત કર્મચારીના પત્નીને નિવૃત્તિ અને પેન્શનના લાભ આપવા આદેશ

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 29 વર્ષની કાનૂની લડત બાદ ઔદ્યોગિક ન્યાયપંચે રેલવે કર્મચારી હેમાભાઈની બરતરફી ગેરકાયદે ઠેરવી છે. 1992માં 512 દિવસની ગેરહાજરીના આરોપસર ગોધરા સ્ટેશનના સફાઈ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયા હતા. 2013માં હેમાભાઈના અવસાન બાદ પત્નીએ લડત ચાલુ રાખી. કોર્ટે મૃતકના પત્નીને નિવૃત્તિ અને પેન્શનના તમામ લાભો ચૂકવવા આદેશ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

29 વર્ષની કાનૂની લડત બાદ મૃત કર્મચારીના પત્નીને નિવૃત્તિ અને પેન્શનના લાભ આપવા આદેશ

Vadodara News : વડોદરામાં રેલવે કર્મચારીને બરતરફ કરવાના રેલવે મંત્રાલયના નિર્ણયને 29 વર્ષની કાનૂની લડત બાદ ઔદ્યોગિક ન્યાયપંચે ગેરકાયદે ઠેરવી મૃત કર્મચારીના પત્નીને નિવૃત્તિ તેમજ પેન્શનના લાભો ચૂકવવાનો આદેશ કર્યો હતો.

ભારતીય ન્યાય પ્રણાલીમાં વિલંબથી મળતો ન્યાય એ ન્યાય ન આપવા બરાબર છે એ કહેવતને ચરિતાર્થ કરતો એક કાનૂની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોધરા સ્ટેશન પર રેલવેના આરોગ્ય વિભાગ હેઠળ કાયમી સફાઈ કર્મચારી તરીકે તા.૧૦ મે ૧૯૭૮થી ફરજ બજાવતા હેમાભાઈને વર્ષ ૧૯૯૨માં ૫૧૨ દિવસની ગેરહાજરીના આરોપસર નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ અન્યાયી બરતરફી સામે હેમાભાઈએ  શ્રમ મંત્રાલયમાં દાદ માગતા શ્રમ મંત્રાલયે રેફરન્સ મંજૂર કરી ઔદ્યોગિક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ ચાલી જતાં તેમા રેલવે પ્રશાસને પોતાની દલીલોમાં જણાવ્યું હતું કે કર્મચારી વારંવાર ગેરહાજર રહેવાની ટેવ ધરાવતા હતા અને ખાતાકીય તપાસ બાદ જ યોગ્ય પગલાં લેવાયા છે.  જ્યારે અરજદારે રજૂઆત કરી હતી કે તેમની ૧૪ વર્ષની સેવાઓને  ધ્યાને લીધા વિના સજા કરવામાં આવી છે. દરમિયાનમાં વર્ષ 2013માં અરજદાર હેમાભાઈનું અવસાન થતાં તેમના પત્નીએ કાયદેસરના વારસદાર તરીકે કાનૂની જંગ આગળ ધપાવ્યો હતો.

ઔદ્યોગિક ન્યાયપંચે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો આપ્યો હતો. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, માત્ર ગેરહાજરીના ગુના માટે બરતરફીની સજા અત્યંત કઠોર અને અપ્રમાણસર છે. દસ વર્ષથી  વધુ સેવા આપનાર કર્મચારીને રીમૂવ કરતી વખતે રેલવે પેન્શન નિયમો મુજબ  કોમ્પેનસેશન એેલાઉન્સ કે નિવૃત્તિ લાભો અંગે સક્ષમ અધિકારીએ કોઈ વિચારણા કરી નહોતી, જે વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન છે. અદાલતે 13-11-1992 થી કર્મચારીની નિવૃત્તિ  તારીખ 1-06-2011 સુધીની સેવાને સળંગ ગણીને તે મુજબ થતા તમામનિવૃત્તિના અને પન્શનના લાભો મૃતક કર્મચારીના પત્નીને ચૂકવવાનો આદેશ કર્યો હતો.

CATના અધિકાર ક્ષેત્રની રેલવે મંત્રાલયની દલીલ કોર્ટે ફગાવી

વર્ષ ૧૯૯૭માં નોંધાયેલો આ રેફરન્સ કેસ અમદાવાદથી વડોદરા ટ્રાન્સફર થયો હતો. સુનાવણી દરમિયાન રેલવે તંત્ર દ્વારા દલીલ કરાઈ હતી કે કેન્દ્રીય કર્માચારી હોવાના નાતે આ કેસ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (સીએટી)ના અધિકાર ક્ષેત્રમાં આવે છે, પરંતુ ન્યાયપંચે ઔદ્યોગિક વિવાદ ધારાની  જોગવાઈઓનો ઉલ્લેખ કરી આ વાંધા અરજી ફગાવી દીધી હતી. વધુમાં, અદાલતે અવલોકન કર્યું હતું કે,બરતરફી સમયે રેલવેએ પોતાના જ પેન્શન નિયમની અવગણના કરી છે. આટલી સેવા ધરાવતા કર્મચારીને ૨/૩ ભાગનું ભથ્થું મેળવવાનો અધિકાર રહે છે.