Baroda

એડવાન્સ મિલકત વેરા વળતર યોજનાની મુદત લંબાવાઈ

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશને મિલકત વેરાની એડવાન્સ ભરપાઈ માટેની પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત 10 ઓગસ્ટ, 2026 સુધી લંબાવી છે. માંજલપુર પેટાચૂંટણીની આચારસંહિતાને કારણે ગાંધીનગર ચૂંટણી પંચની મંજૂરી મેળવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 8.40 લાખ કરદાતાઓને લાભ મળશે, જેમાં રહેણાંક મિલકતોને 10% અને બિન-રહેણાંકને 5% વળતર મળશે, ઉપરાંત ઓનલાઈન ભરપાઈ પર 1% વધારાનું વળતર મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એડવાન્સ મિલકત વેરા વળતર યોજનાની મુદત લંબાવાઈ

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની એડવાન્સ ભરપાઈને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકાયેલી પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત હવે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.

 માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને પગલે અમલમાં રહેલી આચારસંહિતાને કારણે મ્યુનિ.કોર્પોરેશન સીધો નીતિગત નિર્ણય લઈ શકતી ન હોવાથી જિલ્લા કલેક્ટર મારફતે ગાંધીનગર ચૂંટણી પંચ પાસેથી મંજૂરી માગવામાં આવી હતી. મંજૂરી મળતાં યોજનાનો સમયગાળો સત્તાવાર રીતે વધારાયો  છે.

મ્યુનિ.કોર્પોરેશને આ વર્ષે પણ પ્રોત્સાહક વેરા વળતર યોજના ૧૦ જૂનથી શરૃ કરી હતી, જે ૨૪ જુલાઈએ પૂર્ણ થઈ હતી. જોકે વધુ કરદાતાઓને લાભ મળે તે માટે યોજનાની મુદત લંબાવવાની રજૂઆત કરાઈ હતી.

શહેરમાં ૮.૪૦ લાખ કરદાતાઓ છે. યોજના હેઠળ રહેણાંક મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં ૧૦ ટકા, જ્યારે બિન-રહેણાંક મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં ૫ ટકા વળતર આપવામાં આવે છે. ઉપરાંત, ઓનલાઈન વેરાની ભરપાઈ કરનાર કરદાતાઓને વધારાનું ૧ ટકા વળતર પણ અપાય છે.

મ્યુનિ.કોર્પોરેશને વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકત વેરાની આવકનો રૃા.૧૦૦૦.૭૬ કરોડનો બજેટ લક્ષ્યાંક નક્કી કર્યો છે. ૧ એપ્રિલથી ૨૪ જુલાઈ સુધી મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહનવેરા પેટે મળીને રૃા.૨૨૩.૭૦ કરોડની આવક નોંધાઈ છે.