લાંચના ગુનામાં ફરાર મહિલા એન્જિનિયરના આગોતરા નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં થયેલા કામોના બિલો પાસ કરવા માટે એસીબી પોલીસ સ્ટેશને નોંધાયેલા લાંચના ગુનામાં ફરાર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના મહિલા એન્જિનિયરની આગોતરા જામીન અરજી અત્રેની કોર્ટે નામંજૂર કરી છે.
આરોપી નિધિ તડવીએ પોલીસની ધરપકડથી બચવા વડોદરા સ્પેશ્યલ જજ (એસીબી કેસીસ)ની કોર્ટમાં પોતાના આગોતરા જામીન માગતી અરજ ગુજારી હતી. ગઈકાલે શુક્રવારે જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા તપાસ અધિકારીના સોગંદનામાના આધારે સરકારી વકીલની દલીલો હતી કે નિધિએ લાંચની માગ કરેલ છે, જે સંવાદ પંચનામાની વિગતે ઓડિયો રેકર્ડ થયેલ હોઈ ગુનામાં સક્રિય ભૂમિકા છે અને હાલ તેઓ ફરાર છે. આરોપીને જામીન આપવામાં આવે તો સહ આરોપી સાથે મળી પુરાવા સાથે ચેડાં કરશે તેમજ તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે. આરોપીને પીઠબળ ના મળે અને સમાજમાં વિપરીત અસર ના થાય તે માટે જામીન નામંજૂર કરવા જોઈએ.
કોર્ટે નોંધ્યું કે રેકોર્ડ પરના દસ્તાવેજો જોતા આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે. જાહેર સેવકના હોદ્દા અને સત્તાનો ઉપયોગ કરી અથવા તેના આધારે ગેરકાયદે લાભ મેળવવાની પ્રવૃત્તિ માત્ર વ્યક્તિગત હિતને નહીં, પરંતુ જાહેર વહીવટમાં સામાન્ય વ્યક્તિના વિશ્વાસને પણ અસર કરે છે, જેથી આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન અનિવાર્ય જણાય છે. રાજ્ય સેવક અટલે કે સરકારી કર્મચારી દ્વારા હોદ્દાનો દૂરપયોગ કરીને ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યાનો આક્ષેપ હોઈ યોગ્ય તપાસ જરૃરી છે, જે સંજોગોમાં હાલની અરજી ગ્રાહ્ય રાખવી વ્યાજબી જણાતી નથી.
દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકતા ગુનાઓનું પ્રમાણ વધ્યું ઃ કોર્ટ
કોર્ટે નોંધ્યું કે દેશમાં ભ્રષ્ટાચારે ખૂબ માઝા મૂકી છે અને લાંચ લેવાનું દૂષણ ઊભું થયું છે, જે વ્હાઈટ કોલર ક્રાઈમની લાક્ષણિકતા છે, જેના કારણે દેશનો આર્થિક વિકાસ રૃંધાય છે અને આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આરોપીનું કામ કાયદા મુજબની કામગીરી કરાવવાનું છે, પરંતુ કાયદાથી વિરૃધ્ધનું કૃત્ય કરવાનો આક્ષેપ છે. આ હકીકતને ધ્યાને લેતા પણ હાલની અરજી ગ્રાહ્ય રાખવી વ્યાજબી અને ન્યાયોચિત જણાતી નથી, એમ કોર્ટ જણાવ્યું છે.
મહિલા એન્જિનિયર વતી લાંચ લેતા તેનો મિત્ર એસીબીના છટકામાં ઝડપાઈ ગયો
ગત્ ૬ ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શિનોર તાલુકાના વિવિધ ગામોમાં સિવિલ કામો કોન્ટ્રાક્ટર દ્વારા રૃા.૨,૯૭,૫૦૦નું પેમેન્ટ લેવા માટ બિલ શિનોર તાલુકા પંચાયતમાં આઉટસોર્સથી કામ કરતા મહિલા એન્જિનિયર નિધિ રમેશ તડવી (ઉ.૨૭,રહે.ડભોઇ, મૂળ વાડજ ગામ) સમક્ષ રજૂ કર્યા હતાં. મહિલા એન્જિનિયરે બિલ પાસ કરવા માટે પોતાના ૯ ટકા લેખે વાતચીત બાદ અંતે રૃા.૨૫ હજારની લાંચની માગ કરી હતી. એન્જિનિયરના મિત્ર આશુતોષ ઉમાકાંત પાઠક (રહે.અર્બન રેસિડેન્સી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ)ને ફોન કરતા તેણે ફતેગંજમાં સેફ્રોન ટાવર સામે આવવાનું કહેતા કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચ્યો હતો અને તેણે લાંચની રકમ લીધા બાદ એન્જિનિયર સાથે વાત કરી પૈસા આવી ગયા છે તેમ કહેતાં જ એસીબીની ટીમે આશુતોષને ઝડપી લીધો હતો.




