સમા-સાવલી બ્રિજની પહોળાઈ વધારવા રૂ.4.10 કરોડની વધારાની દરખાસ્ત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા સમા-સાવલી રોડ પર આવેલા કેનાલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરીમાં મૂળ મંજૂર ખર્ચ બાદ હવે વધારાની કામગીરી માટે રૂ.4.10 કરોડની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષમંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. વર્ષ 2025માં કોન્ટ્રાક્ટર ઈલાઈટ એન્જિનિયર્સના રૂ.1.27 કરોડના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સ્થળ પર પાણી પુરવઠા પ્રોજેક્ટની ફીડરલાઇન ખસેડવાની કામગીરી હાથ ધરાતા મૂળ આયોજનમાં ફેરફાર કરવાની નોબત આવી છે.
પ્રોજેક્ટ વિભાગની દરખાસ્ત મુજબ કેનાલ બ્રિજની દક્ષિણ અને ઉત્તર દિશામાં આર.સી.સી. બોક્સ કલ્વર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારમાં ફીડરલાઇન ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં વધુ સમય લાગી શકે તેમ હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે વૈકલ્પિક આયોજન કરવામાં આવ્યું છે.
એમ્પેનલ્ડ સલાહકાર રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્થળ પર કાસ્ટ-ઇન-સિટુ પદ્ધતિથી બોક્સ કલ્વર્ટ અને ચેનલ બનાવવાની સાથે ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું પાણી કેનાલ તરફ પ્રવેશતું અટકાવવા દરવાજા મૂકવાની કામગીરી સૂચવવામાં આવી હતી. આ કામગીરી માટે માર્ચ 2026માં રૂ.6.46 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી.
હવે કાસ્ટ-ઇન-સિટુ પદ્ધતિના બદલે પ્રિ-કાસ્ટ પદ્ધતિથી બોક્સ કલ્વર્ટ બનાવવાની તથા અન્ય વધારાની કામગીરી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ વધારાની કામગીરી માટે ઈલાઈટ એન્જિનિયર્સને રૂ.4.10 કરોડ ચૂકવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
કેનાલ બ્રિજના કામ માટે વર્ષ 2025માં રૂ.1.27 કરોડનું ભાવપત્ર મંજૂર થયા બાદ હવે માત્ર વધારાની કામગીરી માટે રૂ.4.10 કરોડની દરખાસ્ત રજૂ થતાં કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની સ્થિતિ ઊભી થઈ છે. મુખ્ય માર્ગ પર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો તંત્રનો તર્ક છે, પરંતુ મૂળ આયોજન બાદ વધારાના ખર્ચની જરૂર કેમ ઊભી થઈ તે મુદ્દે પણ સ્થાયી સમિતિમાં વિવાદ થવાની શક્યતા છે.




