Baroda

સયાજી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી આરોપી ફરાર

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કાચા કામનો કેદી ગોવિંદ વહોનિયા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો. દાહોદનો ૧૮ વર્ષીય ગોવિંદ સ્કીન ઇન્ફેક્શનની સારવાર માટે આવ્યો હતો. ઇન્જેક્શન આપવા હથકડી ખોલતા જ તેણે પોલીસકર્મીને ધક્કો મારી નાસી છૂટ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ સફળતા ન મળી. રાવપુરા પોલીસે ગુનો નોંધી, ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી આરોપી ફરાર

સયાજી હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન કાચા કામનો આરોપી/કેદી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં હોસ્પિટલ પરિસરમાં ભારે દોડધામ મચી હતી.

સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે રહેલો ૧૮ વર્ષનો ગોવિંદ રમેશ વહોનિયા (રહે. દાહોદ)ને સ્કીન ઇન્ફેક્શનની સારવાર માટે આજે સવારે ૧૧ઃ૪૫ વાગ્યે પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ઓપીડી નંબર-૫માં સારવાર દરમિયાન ઇન્જેક્શન આપવા માટે તબીબે કેદીની હથકડી ખોલવાનું કહેતાં પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ પરમારે હથકડી ખોલી હતી.

આ દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી પોલીસકર્મી હિતેન્દ્રસિંહને ધક્કો મારી જાપ્તાની કસ્ટડીમાંથી નાસી છૂટયો હતો. આરોપી ભાગતા જ પોલીસકર્મીએ તેનો પીછો કર્યો હતો. પોલીસે બૂમો પાડી આસપાસના લોકોને મદદ માટે અપીલ કરતાં બે લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી તેમની પકડમાં આવ્યો નહોતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં આરોપી સયાજી હોસ્પિટલ પરિસરમાં આવેલી નવી નિર્માણાધીન ઇમારતમાં પ્રવેશતો જોવા મળ્યો હતો.

ત્યારબાદ રાવપુરા પોલીસની ટીમે ૧૦ માળ અને ૬ બ્લોક ધરાવતી આ સાઇટને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ માઇક દ્વારા આરોપીને સરેન્ડર કરવા અનાઉન્સમેન્ટ પણ કરાયું હતું, પરંતુ આરોપીને પકડવામાં સફળતા મળી નહોતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોટોળા ઉમટી પડયા હતા.

ઉલ્લેખનીય છે કે ફરાર થયેલા આરોપી ગોવિંદ સામે સમા પોલીસ સ્ટેશને બળાત્કારનો ગુનો નોંધાયો છે. ઘટનાને પગલે રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.