Baroda

'જેલના નિયમો તોડનારને ટ્રાન્સફર ન કરાય!' સુરતથી વડોદરા જેલમાં જવા માગતા હત્યાના આરોપીની અરજી કોર્ટે ફગાવી

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં હત્યાના ગુનામાં સુરત જેલમાં બંધ ચિરાગ પંડ્યાની વડોદરા જેલમાં ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી દીધી છે. તેણે પરિવારની મુલાકાત અને સુરક્ષાનું કારણ આપ્યું હતું. જોકે, સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી અગાઉ વડોદરા જેલમાં નિયમોનું ઉલ્લંઘન કરી, મારામારી અને મોબાઈલ ફોન રાખવા જેવી ગેરપ્રવૃત્તિઓમાં સામેલ હતો. કોર્ટે જેલનું વાતાવરણ ડહોળનારની અરજી નામંજૂર કરી, સુરક્ષા જોખમાઈ શકે તેવી શક્યતા ટાંકી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'જેલના નિયમો તોડનારને ટ્રાન્સફર ન કરાય!' સુરતથી વડોદરા જેલમાં જવા માગતા હત્યાના આરોપીની અરજી કોર્ટે ફગાવી

વડોદરા : હત્યાના ગુનામાં સુરત જેલમાં બંધ આરોપી ચિરાગ પંડ્યાએ પરિવારની મુલાકાત અને સુરક્ષાનું કારણ ધરીને તેને વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવા માટે કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે. ન્યાયાધીશે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું છે કે, જે અવારનવાર જેલના નિયમોનું ઉલ્લંઘન કરતો હોય અને જેલનું વાતાવરણ ડહોળતો હોય તેવી વ્યક્તિની અરજી મંજૂર કરવી ન્યાયોચિત નથી.

શું હતી આરોપીની રજૂઆત?

સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના એક કેસમાં ધરપકડ થયા બાદ આરોપી ચિરાગ પંડ્યા હાલ સુરત જેલમાં સજા કાપી રહ્યો છે. તેણે કોર્ટમાં અરજી કરી હતી કે તે વડોદરાનો કાયમી રહેવાસી છે અને સુરતનું અંતર ઘણું દૂર હોવાના કારણે તેના પરિવારજનોને મુલાકાતમાં શારીરિક તેમજ આર્થિક મુશ્કેલીઓ પડે છે. આ ઉપરાંત, સુરત જેલમાં જૂના ઝઘડાને કારણે પોતાની જાનહાનિનું જોખમ હોવાનું પણ તેણે દાવો કર્યો હતો.

સરકારી વકીલની દલીલો અને જેલનો રિપોર્ટ બન્યો ટર્નિંગ પોઈન્ટ:

આ મામલે સરકાર તરફથી સરકારી વકીલ પી.સી. પટેલે સખત વિરોધ નોંધાવતા દલીલ કરી હતી કે, જેલના રિપોર્ટ મુજબ અગાઉ જ્યારે આરોપી વડોદરા જેલમાં હતો ત્યારે તેણે અન્ય કેદીઓ સાથે મારામારી કરી હતી, ગેરકાયદે મોબાઈલ ફોન રાખીને જેલના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું હતું. વળી, તેનો ભાઈ પણ વડોદરા જેલમાં જ બંધ હોવાથી બંને ભેગા મળીને કોઈ મોટી ગેરપ્રવૃત્તિ આચરે તેવી પૂરી શક્યતા છે. વડોદરા જેલમાં તેની અગાઉની ગેરશિસ્ત અને માથાભારે સ્વભાવના કારણે જેલની સુરક્ષા જોખમાઈ શકે છે.

કોર્ટનું કડક વલણ:

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે નોંધ્યું હતું કે ટ્રાયલ દરમિયાન આરોપીને વિડિયો કોન્ફરન્સિંગથી પણ રજૂ કરી શકાતો હોય છે, અને જેલમાં ભય તથા અશાંતિનું વાતાવરણ ઊભું કરતા આરોપીઓની માગણી સ્વીકારી ન શકાય. આ સાથે કોર્ટે ચિરાગ પંડ્યાની જેલ બદલવાની અરજી સદંતર નામંજૂર કરી દીધી છે.