વડોદરા નજીક પાલડી ગામે વિશ્વામિત્રીમાં પાણી લેવા ઉતરેલા પૂર્વ પોલીસ કર્મીને મહાકાય મગર ખેંચી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મગર દ્વારા માનવીનો શિકાર કરવામાં આવ્યો હોવાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મૃતક પૂર્વ પોલીસ કર્મી હોવાનું જાણવા મળ્યું છે.
વાઘોડિયા તાલુકામાં દેવ નદી તેમજ વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોવાને કારણે ઘણી વખત ગ્રામજનો ઉપર જીવલેણ હુમલાના બનાવો બનતા હોય છે. અગાઉ એક મહિલા તેમ જ એક કિશોરનો મગરે શિકાર કર્યો હોવાનો બનાવ બન્યો હતો.
ઘડો હાથમાંથી છૂટી જતા લેવા ગયા અને મગર તરાપ મારી
વાઘોડિયા તાલુકાના પાલડી ગામે આજે બપોરે આવો જ એક બનાવ બનતા ગ્રામજનોમાં શોકની લાગણી આપી છે. ફોરેસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાલડી ગામે રહેતા 61 વર્ષીય નરેશ પીરુભાઈ ભાલીયા ઘડો લઈને પાણી ભરવા માટે નદી કિનારે ગયા હતા.
પિતાને બચાવવા પુત્ર કૂદી પડ્યો પરંતુ સફળતા ના મળી
આ વખતે અચાનક ઘડો હાથમાંથી છૂટી જતા તેઓ લેવાનો પ્રયાસ કરે ત્યાં જ એક મહાકાય મગરે તેમના પર તારાપ મારી હતી અને પાણીમાં ખેંચી ગયો હતો. આ દરમિયાન તેમનો પુત્ર તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો પરંતુ પિતાને બચાવી શક્યો ન હતો.
એક કલાક સુધી મગરે મૃતદેહ લઈને આંટા માર્યા, ફાયર બ્રિગેડે ઝાડી કાપવી પડી
મગરે મૃતદેહને લઈને ત્રણથી ચાર વખત નદીમાં આંટા માર્યા હતા. લગભગ એક કલાક સુધી મગરના મોઢામાંથી નિવૃત્ત કર્મચારીને છોડાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા ફોરેસ્ટ, પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો આવી ગયા હતા. બનાવ બન્યો તે જગ્યાએ ઝાડી ઝાંખરા મોટી સંખ્યામાં હોવાને કારણે ફાયર બ્રિગેડ દ્વારા નડતર દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મગરો વચ્ચે ઘેરાયેલા મૃતદેહને બામ્બુ અને બિલાડીની મદદથી કાઢવામાં આવ્યો હતો. મરનારનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ કરવામાં આવી હતી.




