ઓનલાઈન શોપિંગ એપમાંથી સામાન રિટર્ન કરવામાં 89,999 નો ચૂનો : ગઠિયાઓએ નકલી કસ્ટમર કેરની લિંક મોકલી છેતરપિંડી આચરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરામાં શોપિંગ એપ પરથી મગાવેલો સામાન રિટર્ન કરવાની પ્રોસેસ કરતા સમયે ફરિયાદી ઠગની ચુંગલમાં ફસાયો હતો. એપીકે ફાઇલ ડાઉનલોડ કર્યા પછી ફોન હેક થઇ ગયો હતો અને તેમના એકાઉન્ટમાંથી બારોબાર 89,999 વિડ્રો થઇ ગપા હતા.
વાઘોડિયા રોડની શ્યામ સુંદર સોસાયટીમાં રહેતા ધુરંધરસિંગ રાજબલમસિંગ (ઉં.વ.53) એપોલો ટાયર કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તાજેતરમાં (Meesho) મીશો શોપિંગ એપ પરથી મંગાવેલ પાણીનો જગ પરત કરવા માટે મેં 2 ઓક્ટોબરના રોજ ગુગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધીને સંપર્ક કર્યો હતો. સામેથી વાત કરનાર અજાણ્યા શખ્સે પ્રોડક્ટ રિટર્ન કરવાની પ્રક્રિયાના બહાને મારા વોટ્સએપ નંબર પર એક અજાણી ફાઇલ/લિંક મોકલી હતી.
તેના જણાવ્યા મુજબ મેં તે ફાઇલ ઓપન કરી મારી વિગતો દર્શાવી હતી, પરંતુ બાદમાં મને શંકા જતાં મેં ઓટીપી આપ્યો ન હતો અને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ 4 ઓક્ટોબરના રોજ મારો મોબાઈલ હેંગ થવા લાગ્યો હતો. તે જ સમયે મારા પુત્રએ ઈમેઈલ નોટિફિકેશન જોઈને મને જાણ કરી કે મારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ રહ્યા છે. મેં બેંક બેલેન્સ તપાસતા માલૂમ પડયું કે, મારા ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.89,999 ઓનલાઈન ઉપાડી લેવાયા હતા.




