Baroda

વડોદરામાં વસ્તી ગણતરી કરતા 3800 શિક્ષકો ઓગસ્ટ પૂરો થવા આવ્યો છતાં વેતનથી વંચિત

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 14 વર્ષ બાદ થયેલી વસ્તી ગણતરીમાં 3800 શિક્ષકોને હજુ વેતન મળ્યું નથી. જૂન મહિનામાં ડોર-ટુ-ડોર સર્વે દ્વારા વિગતો એકત્રિત કરાઈ હતી. ઓગસ્ટ અંત સુધી પણ વેતન ન ચૂકવાતા શિક્ષકોમાં નારાજગી વ્યાપી છે. 2011માં 16,70,806 વસ્તી હતી, જે હાલ 22,44,330 અંદાજાઈ છે. વહીવટી તંત્રના આયોજનના અભાવે વિલંબ થયો હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વસ્તી ગણતરી કરતા 3800 શિક્ષકો ઓગસ્ટ પૂરો થવા આવ્યો છતાં વેતનથી વંચિત

Vadodara News : વડોદરા શહેરમાં 14 વર્ષ બાદ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જૂન મહિનામાં ડોર-ટુ-ડોર સર્વે કરીને નાગરિકોની વિગતો એકત્ર કરવામાં આવી હતી. 30 જૂને સમગ્ર કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આ કામગીરીમાં જોડાયેલા આશરે 3800 શિક્ષકોને ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી વેતન ચૂકવાયું નથી. જેના કારણે શિક્ષકોમાં નારાજગી અને વહીવટી તંત્ર સામે સવાલો ઊભા થયા છે.
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ વડોદરા શહેરની વસ્તી 16,70,806 નોંધાઈ હતી. ત્યારબાદ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)ના 12 ગામોનો શહેરમાં સમાવેશ થયો છે. હાલ વડોદરા શહેરની વસ્તી અંદાજે 22,44,330 હોવાનું જણાવવામાં આવે છે.
દેશભરમાં હાથ ધરાયેલી આ વસ્તી ગણતરીની કામગીરી માટે વડોદરામાં તાલીમ અધિકારીઓ અને શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી અને કુલ 3800 નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. આ વખતે પ્રથમ વખત વસ્તી ગણતરી ડિજિટલ એટલે કે મોબાઈલ એપ્લિકેશન આધારિત પદ્ધતિથી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીના સ્વગણતરી તબક્કા માટે 17 મેથી 31 મે સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં નાગરિકો દ્વારા ઓનલાઈન પોતાની વિગતો સબમિટ કરવામાં આવી હતી. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન સુધી ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 30 જૂને કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બે મહિના જેટલો સમય વીતી ગયા બાદ પણ શિક્ષકોને તેમની કામગીરીનું વેતન મળ્યું નથી.
મોંઘવારીના સમયમાં વધારાની કામગીરી કર્યા બાદ પણ સમયસર વેતન ન મળતાં શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બેંક ખાતામાં વેતન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં આયોજનનો અભાવ જોવા મળ્યો
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ સરકારની શરતો પ્રમાણે શિક્ષકોના ખાતામાં સીધું વેતન જમા કરાવવાનું છે. શિક્ષકોની વિગતો મંગાવીને બેંકને આપવાની પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો. હાલ ગ્રાન્ટ આવી ગઈ છે અને તમામ શિક્ષકોની વિગતો પણ પ્રાપ્ત થઈ ગઈ છે. ટૂંક સમયમાં વેતન ચૂકવી દેવામાં આવશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે, કામગીરી પૂર્ણ થયાને બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વેતન ચૂકવવામાં ન આવતા 3800 શિક્ષકોને પોતાના મહેનતાણાં માટે રાહ જોવી પડી રહી છે. સમયસર વિગતો એકત્ર કરી બેંક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોત તો આ પ્રકારનો વિલંબ ટાળી શકાય તેમ હતો.