Baroda

૩૭ ખાદ્ય એકમોમાં તપાસ કરીને મરચાંથી લઈને પનીર સુધીના ૨૭ નમૂના લેવાયા

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં 37 ખાદ્ય એકમોની તપાસ કરી. 27 ખાદ્યપદાર્થોના નમૂના લઈ, અસ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ નોટિસ પાઠવી કુલ 83,500 રૂપિયાનો દંડ વસૂલ્યો. મકરપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં 'બરકત તંદુર' અને 'જગદીશ ફરસાણ' જેવા એકમોને દંડ ફટકારાયો, 35 કિલો વાસી સામગ્રીનો નાશ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

૩૭ ખાદ્ય એકમોમાં તપાસ કરીને મરચાંથી લઈને પનીર સુધીના ૨૭ નમૂના લેવાયા

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા કુલ ૩૭ એકમોની તપાસ કરી ૨૭ ખાદ્યપદાર્થોના નમૂના લઈ અસ્વચ્છ સ્થિતિ તથા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે નોટિસ પાઠવી કુલ રૃા.૮૩,૫૦૦નો દંડ વસૂલાયો છે.

શહેરના મકરપુરા, તરસાલી, રાવપુરા, ન્યુ સમા, મચ્છીપીઠ, અમિતનગર, તાંદળજા, છાણી સહિતના વિસ્તારોમાં તપાસ કરાઈ હતી. તપાસાયેલા ૩૭ એકમોમાં ૧૬ ફેરિયા, ૬ છૂટક વેપારી, ૨ ઉત્પાદક પેઢી, ૧ વિતરક, ૩ જથ્થાબંધ વેપારી, ૫ ખાદ્ય વેચાણ કેન્દ્ર, ૧ કેટરિંગ એકમ અને ૩ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન મરચાં પાવડર, હળદર પાવડર, પામોલીન તેલ, ઘી, સીંગતેલ, સરસવનું તેલ, કાજુ કતરી, તૈયાર પનીર સહિત કુલ ૨૭ ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા છે.

મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા 'બરકત તંદુર સ્ટેશન' રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન ગંદકી જોવા મળતા નોટિસ આપી છે. અમિતનગર ખાતે 'જગદીશ ફરસાણ'માં પણ ગંદકી જોવા મળતા રૃા.૩ હજારનો દંડ વસૂલ્યો છે. 'કાકાની પાવભાજી' ખાતે ગંદકી જોવા મળી હતી. ઉપરાંત, મંચુરિયન, લોટ, ચોખા અને ચટણી સહિત કુલ ૩૫ કિલો વાસી અને અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરી રૃા.૨ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

'જય અંબે સેવઉસળ'ને રૃા.૫૦૦, 'દેવીકૃપા' ખાદ્ય વેચાણ કેન્દ્રને રૃા.૩ હજાર,'ચાની લારી' નામના ફેરિયા પાસેથી રૃા.૧ હજારનો દંડ વસૂલાયો છે. મકરપુરામાં આવેલા 'શ્રી માયાતીર્થ સેવા ફૂડ્સ પ્રા.લિ.' કેટરિંગ પાસેથી રૃા.૨૫ હજારનો દંડ વસૂલાયો છે. હાથીખાનામાં આવેલા 'જય અંબે ટ્રેડર્સ' જથ્થાબંધ વેપારી પાસેથી રૃા.૧૦ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો છે. માણેજામાં આવેલા 'બજરંગ ફાસ્ટ ફૂડ' ને પણ નોટિસ પાઠવી છે.

છાણી વિસ્તાર અને ચિશ્તીયા શાકમાર્કેટ પાસે આવેલી કુલ ૧૪ લારીઓ ખાતે અસ્વચ્છ સ્થિતિ ઉપરાંત પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું જણાતા દરેક એકમને રૃા.૧ હજાર મુજબ કુલ રૃા.૧૪ હજારનો દંડ ફટકારાયો છે.