વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૩૦ ઈમ્પોર્ટેડ વાહનોની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મોંઘી અને વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવતી લક્ઝુરિયસ કાર અને ટુ-વ્હીલરનો ક્રેઝ સતત વધી રહ્યો હોવાનું આંકડાઓ પરથી સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાંથી કુલ ૨૩૦ ઈમ્પોર્ટેડ વાહનો વડોદરામાં આવ્યા છે. તેમાં પ્યોર ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ ઈવીના ૯૦ વાહનો, પેટ્રોલના ૧૨૮ વાહનો અને ડીઝલના ૧૨ વાહનોનો સમાવેશ થાય છે.
અતિ મોંઘા વિદેશી વાહનો પ્રત્યેનો શોખ વધ્યો
ટુ-વ્હિલર અને ફોર-વ્હિલર મળીને વર્ષ ૨૦૨૪માં ૫૮ વાહનો, વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ૯૫ વાહનો અને વર્ષ ૨૦૨૬માં ૭૭ ઈમ્પોર્ટેડ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં વિદેશી બનાવટના કરોડો રૂપિયાના વાહનોની સંખ્યા ૨૩૦ સુધી પહોંચી ગઈ છે.
૨૩.૬૦ લાખના ટુ-વ્હિલરનો સમાવેશ, ઈલેક્ટ્રિક વાહનો વધ્યા
રજિસ્ટર્ડ થયેલા ઈમ્પોર્ટેડ વાહનોમાં સૌથી વધુ કિંમતની પેટ્રોલ સંચાલિત મેક્લારેન કાર છે, જેની કિંમત ૪.૩૬ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, ૨.૮૫ કરોડ રૂપિયાની એક ઈલેક્ટ્રિક મર્સિડીઝ કારનો પણ સમાવેશ થાય છે.
સૌથી મોંઘી ૪.૩૬ કરોડની મેક્લારેન સહિતની કારોની નોંધણી
ટુ-વ્હિલર કેટેગરીમાં પણ મોંઘા વિદેશી વાહનો પ્રત્યેનો શોખ જોવા મળી રહ્યો છે. પેટ્રોલથી ચાલતું ૨૩.૬૦ લાખ રૂપિયાની કિંમતનું એક ઈમ્પોર્ટેડ ટુ-વ્હીલર પણ વડોદરામાં નોંધાયું છે. મહત્ત્વનું છે કે ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાના પ્રમાણમાં વધારો થયો છે. મોંઘી ઈલેક્ટ્રિક કારોની પણ શહેરમાં એન્ટ્રી થઈ રહી છે. વર્ષ ૨૦૨૪માં ૯, વર્ષ ૨૦૨૫માં ૩૫ અને વર્ષ ૨૦૨૬માં ૩૬ એમ કુલ ૮૦ ઇલેક્ટ્રિક ફોર-વ્હિલરનું રજીસ્ટ્રેશન થયું છે. વડોદરાના રસ્તાઓ પર કરોડો રૂપિયાના ઈમ્પોર્ટેડ અને લક્ઝુરિયસ વાહનોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં ૨૩૦ વાહનોની એન્ટ્રીથી શહેરમાં અતિમોંઘા વિદેશી વાહનો પ્રત્યેનો શોખ કેટલો વધ્યો છે તેનો અંદાજ આવે છે.




